થલતેજમાં નિવૃત્ત વૃદ્ધ સાથે શેરબજારના નામે ₹31 લાખની ઠગાઈ:વળતરની લાલચ આપી સાયબર ગઠયાએ ઓનલાઇન લૂંટી લીધા

Gujarat5/21/2026, 4:54:33 AM
થલતેજમાં નિવૃત્ત વૃદ્ધ સાથે શેરબજારના નામે ₹31 લાખની ઠગાઈ:વળતરની લાલચ આપી સાયબર ગઠયાએ ઓનલાઇન લૂંટી લીધા
સાયબર ગુનેગારો રોજબરોજ અવનવી પદ્ધતિઓ અપનાવીને નિર્દોષ નાગરિકોને છેતરી રહ્યા છે અને લાખો રૂપિયાની ઠગાઈ આચરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક નિવૃત્ત વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપીને ₹31 લાખની ઓનલાઇન ઠગાઈનો ભોગ બનાવવામાં આવ્યા છે. શરૂઆતમાં શેરબજારમાં રોકાણ કરાવ્યા બાદ, નફાની રકમ ઉપાડવા માટે વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. વૃદ્ધ સાથે થયેલી આ છેતરપિંડી મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે સત્તાવાર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દીકરાને મળવા અમેરિકા ગયા અને વોટ્સએપ ગ્રુપમાં એડ થયા મળતી વિગતો અનુસાર, થલતેજ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ અગાઉ ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા હતા. તેમનો દીકરો અમેરિકા સ્થાયી થયેલો હોવાથી તેઓ તેને મળવા માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ તેમને વોટ્સએપના એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ કરવા અંગેની વિવિધ વિગતો અને ટિપ્સ મોકલવામાં આવતી હતી. એટલું જ નહીં, ગ્રુપના અન્ય કેટલાક સભ્યો પણ પોતાને થયેલા મોટા નફાના નકલી સ્ક્રીનશોટ નિયમિતપણે ગ્રુપમાં શેર કરતા હતા. વૃદ્ધે આશરે 25 દિવસ સુધી આ ગ્રુપની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા ₹5,000 નો ઉપાડ આપ્યો ગ્રુપમાં આવતી ટિપ્સ જોઈને વૃદ્ધને પણ શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા થઈ હતી. આથી સાયબર ઠગોના કહેવાથી તેમણે મોબાઈલમાં એક ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને પોતાની તમામ વિગતો ભરીને તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ તેમને ₹5,000 ઉપાડવાની મંજૂરી આપી હતી. આથી વૃદ્ધને એપ્લિકેશન પર પૂરેપૂરો ભરોસો બેસી ગયો હતો અને તેમણે ટુકડે-ટુકડે કુલ ₹10 લાખનું રોકાણ કરી દીધું હતું. મોટો નફો બતાવી વધુ ₹21 લાખ પડાવ્યા વૃદ્ધે કરેલા ₹10 લાખના રોકાણની સામે એપ્લિકેશનમાં ડિજિટલી ₹25 લાખથી વધુનો નફો દર્શાવવામાં આવી રહ્યો હતો. જોકે, જ્યારે વૃદ્ધે આ નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ જણાવ્યું કે, જો આ નફો જોઈતો હોય તો ટેક્સ અને અન્ય ચાર્જીસ પેટે બીજા ₹21 લાખ રૂપિયા ભરવા પડશે. વૃદ્ધ તે સમયે અમેરિકા હોવાથી તેમણે અમદાવાદમાં રહેતા તેમના એક મિત્રનો સંપર્ક કર્યો હતો અને બેંક એકાઉન્ટની વિગતો આપીને ₹21 લાખ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. વૃદ્ધના કહેવા પર તેમના મિત્રએ તે ખાતામાં ₹21 લાખ ભરી દીધા હતા. વધુ ₹20 લાખની માંગણી થતાં જ છેતરપિંડીનો અહેસાસ થયો બીજા ₹21 લાખ ભર્યા બાદ એપ્લિકેશનમાં વૃદ્ધનો કુલ નફો ₹45 લાખથી વધુનો બતાવતો હતો, પરંતુ આ રકમ પણ તેઓ ઉપાડી શકતા નહોતા. વૃદ્ધે જ્યારે સાયબર ઠગો સાથે વાતચીત કરી, ત્યારે તેમણે આ રકમ રીલીઝ કરવા માટે વધુ ₹20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વારંવાર રૂપિયાની માંગણી થતાં આખરે વૃદ્ધને શંકા ગઈ હતી. તેમણે આ અંગે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે અને એપ્લિકેશનમાં દેખાતો નફો તદ્દન નકલી હતો. ભોગ બનનાર વૃદ્ધે આ મામલે અમદાવાદ પરત આવીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →