ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી:ચાર દિવસ રાજ્યમાં આફતના એંધાણ; દરિયાકાંઠાના ભેજવાળા પવનો ફૂંકાતા રાત્રે પણ અસહ્ય ગરમી

Gujarat5/28/2026, 4:29:13 AM
ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી:ચાર દિવસ રાજ્યમાં આફતના એંધાણ; દરિયાકાંઠાના ભેજવાળા પવનો ફૂંકાતા રાત્રે પણ અસહ્ય ગરમી
રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત્ રહેવા પામી છે. બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર રહ્યો. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44°C સાથે સૌથી ગરમ રહ્યું, અહીંનું લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે, જ્યારે મહત્તમ સામાન્ય કરતા 1.6°C વધારે રહ્યું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7°C જેટલું વધુ હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9°C રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7°C વધુ હતું. આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ 43.3°C અને લઘુત્તમ તાપમાન 26.6°C નોંધાયું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.5°C, અમરેલીમાં 42.1°C અને ડીસામાં 41.8°C નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે. અકળામણભર્યું હવામાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ગરમ અને ભેજવાળા પવનને કારણે રાત્રે પણ અકળામણ (ડિસ્કમ્ફર્ટ) ભર્યું વાતાવરણ રહે છે. આગામી બે દિવસ હજુ લોકોએ અસહ્ય અકળામણનો સામનો કરવો પડશે. વરસાદ અને વાવાઝોડાની આગાહી ચોમાસાની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું 27 મે, 2026ના રોજ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. આગામી 2-3 દિવસમાં તે દેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજથી (28 મે) એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. આ પણ વાંચો... રાજસ્થાન-MP સહિત 15 રાજ્યોમાં કાલથી ગરમીથી રાહત, આગામી 3 દિવસ વરસાદનું એલર્ટ; રાજસ્થાનનું શ્રીગંગાનગર દેશમાં સૌથી ગરમ દેશના 15થી વધુ રાજ્યોમાં શુક્રવારથી ગરમીથી રાહત મળવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, યુપીમાં આગામી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે. બિહારના 32 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 60kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે રાજસ્થાનમાં જયપુર સહિત 11 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. જેસલમેર, ફલોદી, ગંગાનગર, બીકાનેરમાં ગઈકાલે હીટવેવની સૌથી વધુ અસર જોવા મળી હતી. બુધવારે રાજસ્થાનનું શ્રીગંગાનગર દેશનું સૌથી ગરમ શહેર રહ્યું, અહીં તાપમાન 48°C ને પાર કરીને 48.2°C સુધી પહોંચ્યું. મહારાષ્ટ્રના નાગપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં 16 લોકોના મૃતદેહ રેલવે સ્ટેશન, રસ્તા, ફ્લાયઓવર નીચે સહિત અન્ય સાર્વજનિક સ્થળોએથી મળ્યા. પ્રશાસનને આશંકા છે કે હીટવેવના કારણે આ લોકોના મોત થયા છે. નાગપુરમાં બુધવારે પણ મહત્તમ તાપમાન 46°C રહ્યું. પહાડી રાજ્યોની વાત કરીએ તો આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને કરા પડી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર નવતપામાં શરીરને અંદરથી કૂલ રાખવું છે?, આ 8 ફળો ઠંડક આપશે, 9 નેચરલ ડ્રિંક્સ લૂ સામે રક્ષણ આપશે; હેલ્થ રિસ્કથી બચવા 9 ટિપ્સ અપનાવો નવતપાના 9 દિવસમાં ગરમી તેની પરાકાષ્ઠા પર હોય છે. આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી જાય છે. તેની સીધી અસર શરીર પર પડે છે. તીવ્ર તડકો, લૂ અને ઉચ્ચ તાપમાનથી થાક, ડીહાઇડ્રેશન, ચક્કર અને હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ખાનપાનને લઈને રોજિંદા જીવનમાં નાના-નાના ફેરફારો ખૂબ જ જરૂરી છે. ઠંડી તાસીરવાળા ફળો અને ડ્રિંક્સ શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને દિવસભર ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી ‘કામના સમાચાર’માં આજે એવા ફૂડ્સ વિશે વાત કરીશું, જે નવતપાની ભીષણ ગરમીમાં કૂલ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સાથે જ જાણીશું કે, નવતપાની આપણા શરીર પર શું અસર થાય છે?, નવતપામાં કઈ વસ્તુઓ ખાવા-પીવાથી બચવું જોઈએ? વાંચો સંપૂર્ણ અહેવાલ
Read Original Article →