દિલ્હી દરવાજા પાસે થયેલા પથ્થરમારાનો કેસ:પુરાવાના અભાવે ગોધરાકાંડ પછીનાં તોફાનમાં 11 નિર્દોષ

Gujarat4/12/2026, 12:00:00 AM
ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં કોમી તોફાનોના એક કેસમાં 24 વર્ષ બાદ પુરાવાના અભાવે તમામ 11 આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો છે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ 9 મે, 2002એ બપોરે દિલ્હી દરવાજા, લાલકાકા શાક માર્કેટ અને માધુપુરા માર્કેટ વિસ્તારમાં હિંસક તોફાનો થયા હતા. આક્ષેપ પ્રમાણે 2થી 3 હજારના ટોળાએ પથ્થરમારો અને સોડાની બોટલો ફેંકી હુલ્લડ મચાવ્યું હતું. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે. સાક્ષી તરીકે હાજર રહેલા પોલીસ કર્મચારીઓએ ઊલટ તપાસમાં સ્વીકાર્યું હતું કે હજારોના ટોળામાંથી આ જ આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો કે કેમ તે ચોક્કસ કહી શકાય તેમ નથી. આરોપીઓની વિધિવત ઓળખ પરેડ પણ કરાઈ નહોતી. 24 વર્ષનો સમય વીતી ગયો હોવાથી મુખ્ય ફરિયાદી તપાસ કરનાર અધિકારીનું અવસાન થયું હતું અને અન્ય સાક્ષીઓ પણ મળી આવ્યા ન હતા, જેની અસર કેસ પર પડી હતી. 11 પૈકી 2 આરોપીનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું.
Read Original Article →