સોમનાથમાં 100 વર્ષ જૂનો રોડ બંધ કરાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો:સરકારી વકીલે કહ્યું- સિક્યુરિટી કારણોસર ગેટની જગ્યાએ દીવાલ કરાઈ, કલેકટરના વર્તનને લઈ કોર્ટના આકરા સવાલ

Gujarat6/10/2026, 12:58:58 PM
સોમનાથમાં 100 વર્ષ જૂનો રોડ બંધ કરાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો:સરકારી વકીલે કહ્યું- સિક્યુરિટી કારણોસર ગેટની જગ્યાએ દીવાલ કરાઈ, કલેકટરના વર્તનને લઈ કોર્ટના આકરા સવાલ
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જતો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે. અનેક રજૂઆતો બાદ પણ રસ્તો ખુલ્લો કરવામાં ન આવતા 39 અરજદારો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે મંદિર ટ્રસ્ટ પાસે રોડ બંધ કરવાનો પાવર કેવી રીતે આવ્યો ? આવી રીતે એક તરફી જોહુકમી ભર્યા નિર્ણય લઈ શકાય નહીં. નાગરિકોએ ક્યાં અને કેમ ચાલવું તે સત્તાધીશો નક્કી કરી શકે નહીં. આ કેસની વધુ સુનાવણી 22 જૂને યોજાશે. કોર્ટે પૂછ્યું- મંદિર ટ્રસ્ટ જિલ્લો ચલાવે છે કે કલેકટર? આ કોઈ મીલીટરી વિસ્તાર નથી, મંદિર છે. કલેક્ટરને આવો પાવર કોને આપ્યો ? વળી કલેક્ટરને 07 ફેબ્રુઆરીએ આ મુદ્દે નાગરિકો રજૂઆત કરે છે, છત્તા તેઓ 04 મહિના સુધી તેનો કોઈ જવાબ નથી આપતા. શું તમે રાજશાહીમાં જીવો છો ? કલેકટરનું કામ શું છે ? મંદિર ટ્રસ્ટ જિલ્લો ચલાવે છે કે કલેક્ટર ? 1920 ના નકશામાં પણ રોડ બતાવે છે, તે જગ્યા અચાનક કોઈની કેવી રીતે થઈ ગઈ ? કલેક્ટર જણાવે કે નાગરિકોએ રોડ સંબંધે આપેલી અરજી ઉપર 4 મહિના તેઓએ શું કર્યું ? એવા કયા મહત્વના કામમાં તેઓ વ્યસ્ત હતા ? પ્રથમદર્શી રીતે જાહેર રોડ બંધ કરવો ગેરકાનૂની છે. સરકારી વકીલે કહ્યું- અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ રોડ બંધ નથી આજની મુદતમાં ઉપરોક્ત અરજી સંદર્ભે મુખ્ય સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ રોડ બંધ નથી. જે ફોટા કોર્ટ સમક્ષ મુકાયા છે, તે મંદિરના બાઉન્ડ્રી વોલના છે. તેઓ પોતે જાતે તાજેતરમાં પહેલા સોમનાથ ગયા હતા.જ્યાં અરજીમાં દર્શાવ્યા મુજબનો રોડ ખુલ્લો જ છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ માટે 5 એન્ટ્રી ગેટ હતા. જેમાં દર્શનાર્થીઓને દિગ્વિજય ગેટથી પ્રવેશ અપાય છે. જે દિવાલ બનાવવામાં આવી છે, તે પાંચ પૈકી એક પાછળનો એન્ટ્રી ગેટ હટાવીને સુરક્ષાના કારણોસર બનાવવામાં આવી છે. આ સાગર દર્શન તરફ જતા રોડ ઉપરની વાત છે. જ્યાં વચ્ચે એક ચબુતરો આવેલો છે. સરકારી વકીલે ગઇકાલના ફોટા કોર્ટ સમક્ષ મૂકી જણાવ્યું હતું કે તે રોડ ખુલ્લો જ છે. અરજદારે અયોગ્ય હેતુસર અરજી કર્યાની રજૂઆત અરજદારોએ અયોગ્ય હેતુસર ઉપરોક્ત અરજી કરી છે. તમામ 39 અરજદારોનું એડ્રેસ શિવદર્શન હોટલ છે. અરજદારો પૈકી બાલાભાઈ શામળા સોમનાથ દેવસ્થાન ટ્રસ્ટના સસ્પેન્ડ કરાયેલ કર્મચારી છે. સુરક્ષાના કારણોસર મંદિરના બે ગેટ બંધ કરાયા છે. જે ગેટની જગ્યાએ દીવાલ બનાવી છે, તે ગેટ 5 વર્ષથી બંધ છે. પ્રભાસ પાટણથી દિગ્વિજય ગેટ તરફ ફક્ત ટુ વ્હીલરને એન્ટ્રી છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે નાગરિકોએ કલેક્ટરને રજૂઆત કરી તો 4 મહિનાથી જવાબ આપ્યો કેમ નહીં ? આમ નાગરિકોને ટાળી દેવાની વૃતિ ચાલે નહીં.એક તરફી નિર્ણય લેવાય નહીં. જે પણ કારણ હોય કલેક્ટર જવાબમાં જણાવી શકતા હતા. સરકારી વકીલે કોર્ટને આશ્વાશન આપ્યું હતું કે તેઓ સોમનાથમાં અહિલ્યાબાઇના પૂતળાથી લઈને સાગરદર્શન સુધીના રોડના વિડિઓ અને નવીનતમ નકશો કોર્ટ સમક્ષ મૂકશે. આ મુદ્દે વધુ કાર્યવાહી 22 જૂનના રોજ રાખવામાં આવી છે.
Read Original Article →