ડ્રાઈવરનું માથું ફોડી ભાવનગરના વેપારી સાથે લૂંટ:‘રોંગ સાઇડમાં કેમ આવો છો?‘ કહેતાં સ્વિફ્ટ કારના સવારોનો હુમલો; સનાથલ બ્રિજ પાસેની ઘટના

Gujarat5/24/2026, 6:33:43 AM
ડ્રાઈવરનું માથું ફોડી ભાવનગરના વેપારી સાથે લૂંટ:‘રોંગ સાઇડમાં કેમ આવો છો?‘ કહેતાં સ્વિફ્ટ કારના સવારોનો હુમલો; સનાથલ બ્રિજ પાસેની ઘટના
શહેરના એસ.જી. હાઈવેથી સનાથલ બ્રિજ તરફ જતા રસ્તા પર રોડ રેજ અને લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી કારના ચાલકને "ગાડી જોઈને ચલાવો" તેમ કહેવું ભાવનગરના એક વૃદ્ધ વેપારી અને તેમના ડ્રાઈવરને ભારે પડ્યું છે. રોંગ સાઈડમાં આવેલા 3 અજ્ઞાત શખ્સોએ ઉશ્કેરાઈને વેપારીની ઇનોવા ગાડીનો કાચ તોડી નાખ્યો હતો અને ડ્રાઈવર પર પથ્થર વડે હુમલો કરી તેનું માથું ફોડી નાખ્યું હતું. આટલું જ નહીં, આરોપીઓ જતા-જતા વેપારીનો કિંમતી મોબાઈલ ફોન પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મુંબઈથી પરત ફરી ભાવનગર જઈ રહ્યા હતા વેપારી પોલીસ ફરિયાદ અનુસાર, ભાવનગરમાં રહેતા 72 વર્ષીય ભૂપતભાઈ શાહ લોખંડ ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. તેઓ ગત 20 મેના રોજ વ્યાપારી કામકાજ અર્થે અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી મુંબઈ ગયા હતા. ત્યારબાદ 22 મેના રોજ તેઓ મુંબઈથી અમદાવાદ પરત આવ્યા અને 23 મેના રોજ પોતાની ઇનોવા કારમાં અમદાવાદથી ભાવનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન એસ. જી. હાઈવેથી સનાથલ બ્રિજ તરફ જતા રોડ પર સામેથી એક સ્વિફ્ટ કાર પૂરઝડપે રોંગ સાઈડમાં આવી રહી હતી. અકસ્માત ન સર્જાય તે માટે ભૂપતભાઈના ડ્રાઈવરે સ્વિફ્ટ કારના ચાલકને ગાડી જોઈને ચલાવવા જણાવ્યું હતું, જેથી સ્વિફ્ટ કાર ત્યાં ઊભી રહી ગઈ હતી. દંડા અને પથ્થર વડે જીવલેણ હુમલો, વચ્ચે પડતા વેપારીને પણ માર્યો સ્વિફ્ટ કાર ઊભી રાખ્યા બાદ તેમાંથી આશરે 30થી 35 વર્ષની ઉંમરના 3 શખ્સો નીચે ઉતર્યા હતા, જેમાંથી એકના હાથમાં લાકડાનો દંડો હતો. ડ્રાઈવરે "રોંગ સાઈડમાં ગાડી કેમ ચલાવો છો?" તેમ પૂછતાં જ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એક શખ્સે દંડા વડે ઇનોવા કારનો કાચ તોડી નાખ્યો હતો અને ડ્રાઈવરને ગાડીમાંથી બહાર ખેંચી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. 72 વર્ષીય ભૂપતભાઈ પોતાના ડ્રાઈવરને બચાવવા વચ્ચે પડ્યા, તો હુમલાખોરોએ તેમને પણ લાકડાના દંડાથી 3-4 ફટકા મારી દીધા હતા. આ દરમિયાન એક યુવકે નીચેથી મોટો પથ્થર ઉપાડીને ડ્રાઈવરના માથામાં પૂરા જોશથી ઝીંકી દીધો હતો, જેના કારણે ડ્રાઈવરનું માથું ફાટી જતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. મોબાઈલ ઝૂંટવી હુમલાખોરો ફરાર, સરખેજ પોલીસમાં ફરિયાદ હુમલો કર્યા બાદ પણ આ શખ્સોનો આક્રોશ શાંત થયો નહોતો અને જતા-જતા તેઓ ભૂપતભાઈના હાથમાંથી તેમનો મોબાઈલ ફોન પણ ઝૂંટવીને પોતાની સ્વિફ્ટ કારમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને ભૂપતભાઈ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ ચકચારી ઘટના અંગે ભૂપતભાઈ શાહે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજ્ઞાત ત્રણેય શખ્સો સામે લૂંટ અને હુમલાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →