સરખેજમાં વૃદ્ધ દંપતીના બંગલા પર તસ્કરો ત્રાટ્કયા, 31.40 લાખની ચોરી:નારણપુરામાં મંદિરમાંથી ચાંદી, તાંબા-પિત્તળની મૂર્તિઓ ચોરી કરીને ફરાર થયા

Gujarat5/16/2026, 5:58:45 AM
સરખેજમાં વૃદ્ધ દંપતીના બંગલા પર તસ્કરો ત્રાટ્કયા, 31.40 લાખની ચોરી:નારણપુરામાં મંદિરમાંથી ચાંદી, તાંબા-પિત્તળની મૂર્તિઓ ચોરી કરીને ફરાર થયા
અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના મકરબા અને નારણપુરા વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાન તેમજ વૃદ્ધ દંપતીના બંગલાને નિશાન બનાવી લાખો રૂપિયાની રોકડ, દાગીના અને મૂર્તિઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને બનાવોને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે અને સીસીટીવી સહિત ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. વૃદ્ધ દંપતીના બંગલા પર તસ્કરો ત્રાટ્કયા, 31.40 લાખની ચોરી મકરબા ખાતે આવેલા સાકેત બંગ્લોઝમાં રહેતા 85 વર્ષીય સૌરભ શોધને સરખેજ પોલીસ સ્ટેશનમાં 31.40 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. સૌરભ શોધન પરિવાર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને અગાઉ પ્લાસ્ટિકની ફેક્ટરીનો વ્યવસાય કરતા હતા. હાલ તેઓ નિવૃત જીવન વ્યતીત કરી રહ્યા છે. ફરિયાદ મુજબ થોડા દિવસ પહેલા સૌરભ શોધન તેમની પત્ની સાથે બેડરૂમમાં સુઈ ગયા હતા. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો તેમના બંગલામાં પ્રવેશ્યા હતા. બીજા દિવસે સવારે ઉઠતા ગાર્ડન સાઈડનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા તમામ સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો અને તિજોરી પણ ખુલ્લી હાલતમાં મળી આવી હતી. આ બનાવની જાણ સૌરભ શોધને તેમના દિકરા અને પુત્રવધુને કરી હતી. અમેરિકન ડોલર, રોકડ અને સોનાના દાગીના લઈને રફૂચક્કર તપાસ દરમિયાન ઘરમાંથી અંદાજે સાત હજાર અમેરિકન ડોલર સહિત કુલ આઠ લાખ રૂપિયાની રોકડ તેમજ 23.40 લાખ રૂપિયાના સોનાચાંદીના દાગીના મળી કુલ 31.40 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.બનાવની જાણ થતા સરખેજ પોલીસની ટીમ, ડોગ સ્ક્વોડ તેમજ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ ઘરેલુ સ્ટાફ સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મંદિરમાંથી ચાંદી, તાંબા-પિત્તળની મૂર્તિઓની ચોરી બીજી તરફ નારણપુરા વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર ખાતે રહેતી અંકિતાબેન રાજપુતે પણ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. અંકિતાબેન પરિવાર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.તેમના પતિ મયુરભાઈ અને પુત્ર આર્ટ એન્ડ ક્રાફ્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ મયુરભાઈ વ્યવસાય માટે અમેરિકા ગયા હતા ત્યારે તેઓ તાંબા અને પિત્તળની મૂર્તિઓ લાવ્યા હતા. હાલમાં તેમના ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી અંકિતાબેન પરિવાર સાથે માતાના ઘરે રહેવા ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમંદિરમાં રાખેલી ચાંદીની મૂર્તિ તેમજ તાંબા-પિત્તળની મૂર્તિઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘરમાં પરત ફર્યા બાદ ચોરીની જાણ થતાં અંકિતાબેને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Read Original Article →