સાળંગપુર હનુમાનજીને મોતી-ગુલાબના દિવ્ય વાઘા ધરાવાયા:અધિક માસ નિમિત્તે સિંહાસને ફૂલોનો કલાત્મક શણગાર, છપ્પન ભોગ અન્નકૂટ
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અધિક જેઠ માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે દાદાને મોતી અને ગુલાબની પાંખડીઓના દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. સિંહાસનને ઓર્કિડ, મોગરા અને ગુલાબના મિશ્ર ફૂલોથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી બુધવાર, ૦૩ જૂન, ૨૦૨૬ના રોજ આ વિશેષ દર્શનનું આયોજન કરાયું હતું. હજારો ભક્તોએ દાદાના અદ્ભુત સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના ગર્ભગૃહમાં દાદાની આસપાસ ગુલાબી, વાદળી, સફેદ અને જાંબલી રંગના તાજા ફૂલોનો આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. કેળના પાનનો કલાત્મક ઉપયોગ કરીને મોર અને કમળની પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે દાદાને અથાણાંનો અન્નકૂટ તેમજ મીઠાઈનો છપ્પન ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે ૦૫:૪૫ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. પવિત્ર અધિકમાસ નિમિત્તે મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ યજ્ઞ ૧૭ મે થી ૧૫ જૂન, ૨૦૨૬ સુધી સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ દરમિયાન યોજાશે. હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરીને આ ભક્તિસભર માહોલનો લાભ લીધો હતો. સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ કલાકે રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંદિર પટાંગણમાં મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો.
Read Original Article →