અધિકમાસમાં સંતવાણી:સફળતા માટે મહેનત, સંસ્કાર, સંકલ્પ જરૂરી: સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, જીવનમાં સફળ થવા માટે સંસ્કાર, અથાગ પુરુષાર્થ અને સંકલ્પ જરૂરી છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનીને જીવનનો સૌથી સોનેરી સમય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સમય માત્ર આનંદ માણવા માટે નહીં, પરંતુ ભવિષ્ય ઘડવા માટેનો છે. યુવાન માત્ર ઉંમરથી નહીં, પરંતુ તેના વિચાર, સંકલ્પ અને કાર્યથી બને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આજે વિશ્વને એવા યુવાનોની જરૂર છે જે સપના જુએ અને તેને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરે. આ સંદર્ભમાં તેમણે ડો. એ.પી.જે. અબ્દુલ કલામના શબ્દો ટાંક્યા હતા કે, "સપના તે નથી જે ઊંઘમાં આવે, સપના તે છે જે ઊંઘવા ન દે." તેમણે ઉમેર્યું કે, જે ઘસાય છે તે જ ચમકે છે અને જે તપે છે તે જ નિખરે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ સંસ્કારને યુવાનોનું સૌથી મોટું આભૂષણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આધુનિક બનવું સારી વાત છે, પરંતુ માતા-પિતાનો આદર અને શાસ્ત્રોક્ત ધર્મ પ્રમાણે જીવન જીવવું ન ભૂલવું જોઈએ. જો સફળતા મળે પણ ધર્મ અને સંસ્કાર ગુમાવાય તો તેનો કોઈ અર્થ નથી. તેમણે સાચા યુવાનની વ્યાખ્યા આપતા કહ્યું કે, સાચો યુવાન તે છે જે સારા પુસ્તકો વાંચે, સન્માર્ગે ચાલે અને દેશ તથા ધર્મની સેવા કરે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનવામાં સમય બગાડવાને બદલે સારા કાર્યોમાં મદદરૂપ થવું જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જણાવ્યા મુજબ નિયમબદ્ધ, નીતિમય અને સદાચારમય જીવન જીવવું જોઈએ. અંતમાં તેમણે જણાવ્યું કે, જેનું જીવન વ્યસનમુક્ત, સેવામય અને ભક્તિમય છે, તે જ સાચા અર્થમાં યુવાન છે.
Read Original Article →