અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર યુવકની અશ્લીલ હરકતો, VIDEO:અંદાજે 30 સેકન્ડ સુધી ક્ષોભજનક સ્થિતિમાં ઊભો રહ્યો; પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો

Gujarat5/25/2026, 3:46:57 AM
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર યુવકની અશ્લીલ હરકતો, VIDEO:અંદાજે 30 સેકન્ડ સુધી ક્ષોભજનક સ્થિતિમાં ઊભો રહ્યો; પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો
અમદાવાદ શહેરને રાજ્યનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે, પરંતુ જાહેર સ્થળો પર કેટલીક વિકૃત માનસિકતા ધરાવતા લોકોની અશ્લીલ હરકતોને કારણે મુલાકાતી નાગરિકો અને પરિવારોને વારંવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રકાશમાં આવ્યો છે. રિવરફ્રન્ટના વૉકિંગ ટ્રેક પર જાહેરમાં અશ્લીલ હરકતો કરતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા શૂટ કરાયેલા આ વીડિયોના આધારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજિયાએ જણાવ્યું કે, વીડિયોને વેરિફાઈ કરી, સત્યતા અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. કેમેરા સામે જોઈને પણ અશ્લીલતા ચાલુ રાખી સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ નજીકના વૉકિંગ ટ્રેક પર એક અજાણ્યો યુવક ચાલતો-ચાલતો આવે છે. તે ચાલતાં-ચાલતાં જ અશ્લીલ હરકતો શરૂ કરે છે અને ત્યારબાદ નદી કિનારાની પાળી પાસે ઊભો રહી જાય છે. ત્યાં હાજર એક જાગૃત નાગરિકે આ શરમજનક કૃત્ય જોઈને પોતાના મોબાઈલમાં તેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, યુવક વીડિયો ઉતારનાર વ્યક્તિ સામે જુએ છે, છતાં પણ તેને કોઈ ડર ન હોય તેમ અંદાજે 30 સેકન્ડ સુધી સતત અશ્લીલ હરકત કરતો રહે છે. કરોડોનો સિક્યુરિટી ખર્ચ છતાં ગાર્ડ ગાયબ, તંત્ર સામે સવાલો સાબરમતી રિવરફ્રન્ટ પર દરરોજ હજારો પરિવારો, મહિલાઓ, વડીલો અને યુવક-યુવતીઓ ફરવા તેમજ મોર્નિંગ-ઇવનિંગ વૉક માટે આવતા હોય છે. આવા જાહેર અને પ્રતિષ્ઠિત સ્થળે બનેલી આ ઘટનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 'સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ' (SRFDCL)ની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા રિવરફ્રન્ટની સુરક્ષા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સિક્યુરિટી ગાર્ડ્સ ફરજ પર હાજર હોતા નથી, જેના કારણે આવા તત્વોને મોકળું મેદાન મળી જાય છે. રિવરફ્રન્ટ પોલીસની કામગીરી સામે સવાલો સ્થાનિક લોકો અને મુલાકાતીઓના આક્ષેપ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ વ્યવસ્થા પણ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. રિવરફ્રન્ટ પર શાંતિથી બેસતા સામાન્ય કપલ્સને પોલીસ દ્વારા અવારનવાર પરેશાન કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવે છે, પરંતુ આવા અસામાજિક અને વિકૃત તત્વો સામે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. આ વાઇરલ વીડિયો બાદ હવે સોશિયલ મીડિયા પર લોકો રિવરફ્રન્ટ પોલીસ પાસે આ શખ્સને શોધીને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં મહિલાઓની સુરક્ષા જોખમાય નહીં.
Read Original Article →