સાબરમતી સેન્ટ્રલ જેલના મેન ગેટમાંથી કેદી ભાગી ગયો:હત્યા-પોક્સોની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી બડા ચક્કરમાં કેદ હતો; હાઈ સિક્યોરિટી જેલની પોલ ખુલી
રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી ગઈ છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ જતા જેલ તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટના માત્ર એક કેદી ભાગી જવાની નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેલમાં ચાલી રહેલા આંતરિક વિવાદો, કેદીઓ વચ્ચેના તણાવ અને સ્ટાફની બેદરકારી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. મેન ગેટમાંથી કેદી બહાર નીકળી ગયો
સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા. ગણતરીમાં માત્ર 32 કેદીઓ મળતા માલદે પરમાર ગાયબ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ જેલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને જેલ સ્ટાફને ચકમો આપતો અને મેન ગેટની બહાર નીકળી જતો જોવા મળ્યો હતો. વર્ષ 2025થી સાબરમતી જેલના બડા ચક્કર વિભાગમાં હતો
સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યની હાઈ સિક્યોરિટી જેલમાંથી એક આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી સહેલાઈથી બહાર કેવી રીતે નીકળી ગયો. તપાસમાં સામે આવી રહેલી વિગતો મુજબ માલદે પરમાર સામાન્ય કેદી નહોતો. તેના વિરુદ્ધ વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિત ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પહેલા તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. વર્ષ 2025થી તે સાબરમતી જેલના બડા ચક્કર વિભાગમાં હતો. સુરક્ષાની વાતો વચ્ચે કેદી મેન ગેટથી ભાગી ગયો
પાકા કામના કેદીઓ જેલની અંદર વિવિધ જવાબદારીઓ સંભાળતા હોવાથી તેમની અવરજવર સામાન્ય કેદીઓની તુલનાએ વધારે રહેતી હોય છે. જોકે સુરક્ષા પ્રોટોકોલ મુજબ આવા કેદીઓ પર સતત નજર રાખવાની ફરજ સ્ટાફની રહે છે. તેમ છતાં માલદે પરમાર મેન ગેટ સુધી પહોંચી ગયો, તે માત્ર બેદરકારી નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ જેલમાં ચાલતી આંતરિક વ્યવસ્થાને લઈને પણ અનેક ચર્ચાઓ શરૂ કરી છે. જેલની બહાર અલગ અલગ CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ: PI
આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.આર. રબારીએ જણાવ્યું હતું કે કેદી જેલમાંથી નીકળીને કઈ તરફ ભાગ્યો છે તે તપાસ કરવામાં આવી રહી છે. જેલની બહાર અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
Read Original Article →