ગંભીર ગુનાના કેદીઓએ જેલ માથે લીધી:એન્કાઉન્ટરમાં બચી ગયેલા સંગ્રામસિંહે અન્ય કેદીઓ સાથે મળી જેલના સ્ટાફ પર ઈંટોથી હુમલો કર્યો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતી હિંસક ઘટના સામે આવી છે. ગંભીર ગુનાના કેદી સંગ્રામસિંહ સિકરવાર અને તેના ત્રણ સાથી કેદીઓએ જેલ સ્ટાફને ગાળો આપીને ઇંટોથી હુમલો કરતા જેલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે રાણીપ પોલીસે ચારેય કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ચાર કાચા કામના કેદીઓ ગાળાગાળી કરી રહ્યા હતા
ઘટનાની વિગત મુજબ, જેલના હવલદાર ભરતભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, સુબેદાર પાસે મંગળવારે ચાર કાચા કામના કેદીઓ—સંગ્રામસિંહ સિકરવાર, સતીશ પટણી, હસમુખ અને અંકિત રામનરેશ—ભેગા મળીને ગાળાગાળી કરી રહ્યા હતા. આ દરમિયાન સંગ્રામસિંહે ગાર્ડનમાંથી ઇંટો ઉપાડી પોતાની જાતે જ માથામાં મારીને ઈજાઓ કરી હતી અને અન્ય કેદીઓએ પણ તેનું અનુકરણ કર્યું હતું, જેથી તેમને તાત્કાલિક જેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હવલદારને હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી
બાદમાં, જ્યારે હવલદાર ભરતભાઈ જેલના દવાખાનેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ચારેય કેદીઓએ બહાર આવી તેમની સાથે ઝઘડો કરી ગાળો બોલી હતી. તેમણે ભરતભાઈ પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બૂમાબૂમ સાંભળી અન્ય કર્મચારીઓ મદદ માટે દોડી આવ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પણ ઇંટ અને તેના ટુકડા ફેંક્યા હતા. જેલ પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા
ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી સંગ્રામ સિકરવાર અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. દોઢ વર્ષ પૂર્વે વસ્ત્રાલમાં જાહેરમાં તોડફોડ અને મારામારી કરી વિસ્તારને બાનમાં લેનાર સંગ્રામ સામે લૂંટ અને અપહરણના ગુનાઓ પણ નોંધાયેલા છે. ભૂતકાળમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાના પ્રયાસ દરમિયાન તેના પગમાં પોલીસે ગોળી મારી હતી. એક કુખ્યાત ગુનેગાર દ્વારા જેલની અંદર ફરીથી હિંસા આચરવામાં આવતા જેલ પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
Read Original Article →