'આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું રણ':સ્થાનિકે કહ્યું, 5 ફૂટ પાણી ભરાઈ છે, 108 પણ અંદર આવી શકતી નથી; રાણીપમાં કચરો, ટ્રાફિક અને ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી છે. જેને લઈને આજથી ઉમેદવારી પત્રનું વિતરણ પણ શરૂ કરાયું છે. જુદી જુદી પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 5 રાણીપના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 'પાંચ ફૂટ પાણી ભરાઈ જાય છે, 108 પણ અંદર આવી શકતી નથી'
સ્થાનિક મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા રહીએ છીએ. 30 વર્ષથી આનો આ જ વિકાસ દેખાય છે. કોઈ આમાં ફરક નથી આવતો. શું એવું કારણ છે કે અહીંયા કોઈ પણ વિકાસ નથી થતો?. અહીંયા ચાર ફૂટ, પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. જ્યારે ચોમાસું આવે ત્યારે 108 પણ અહીંયા આવી શકતી નથી. વારંવાર કોર્પોરેશનને અમે રજૂઆત કરવા જઈએ તો કોઈ ધ્યાન પણ નથી દેતા. શું કારણ છે? અમને કોઈ માહિતી મળતી નથી અને આની આ જ પરિસ્થિતિ છે. આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું રણ. આ ક્યો વિસ્તાર છે? કાંઈ આઈડિયા જ આવતો નથી. વરસાદી પાણી ભરાય છે અને ગટર ઉભરાવાની સમસ્યા
રાણીપમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની નંદાનગર સોસાયટીના સ્થાનિકો હેમાભાઈએ જણાવ્યું હતું કે, અહીં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. અહીં પાકા રસ્તા નથી અને ગટર ઉભરાવાની પણ સમસ્યા છે. વર્ષ દરમિયાન કોર્પોરેટરો તેઓને મળતા નથી. ચૂંટણી સમય નેતાઓ આવે છે. આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું ગામ છે તે ખબર પડતી નથી. પાણી, ગટર અને રોડની સમસ્યાથી અહીં સત્તા પરિવર્તન થવું જોઈએ. 'અમારે જાતે ત્રિકમથી તોડીને પાણીનો નિકાલ કરવો પડે છે'
સ્થાનિક રામજીભાઈએ કહ્યું કે, હું નંદાનગરમાં રહું છું. અહીંયા આગળ ઘણા સમયથી રોડ, પાણી, લાઈટની ઘણી પ્રકારની સમસ્યાઓ છે પણ કોઈ ધ્યાન દેતા નથી. કોઈ આવીને અમને એમ નથી કહેતું કે તમારે શું હાલ છે ને કેવી પોઝિશન છે, એ પણ અમને કોઈ પૂછવા આવતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે એક-બે નેતાઓ આવે ને કહે છે વારંવાર કે અમે કરી આપીશું, કરી આપીશું પણ હજુ આજ સુધી કામકાજ કરતા નથી. રાણીપ વોર્ડમાં પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ
કોંગ્રેસના સ્થાનિક નેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાણીપના આઈ.ટી.આઈ પાસે આવેલી ફૂટપાથ નવી જ બનાવવામાં આવી હતી. તેને ટોરેન્ટ પાવર એ ખોદકામ કરીને તોડી નાખી હતી. એક જ મહિનામાં ડામરનો નવો રોડ બનાવીને તેને તોડીને RCCનો રોડ બનાવવામાં આવ્યો હતો. રાણીપ વોર્ડમાં પાણી ભરાવવાની અને ગટરની સમસ્યાઓ છે. અહીંના બકરા મંડી વિસ્તારમાં ખુલ્લામાં પસાર થતા ગટરના પાણીથી ગરીબ લોકો નર્કાગાર સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. 'આ વોર્ડમાં ટ્રાફિકની પણ સમસ્યા છે'
તેને વધુમાં કહ્યું કે, એક જ વ્યક્તિને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અણગઢ આયોજન અને ભ્રષ્ટાચાર ઉપરોક્ત વાતો પરથી જણાવી આવે છે. RTI દ્વારા આગામી સમયમાં ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે. આ વોર્ડમાં ટ્રાફિકની પણ સમસ્યા છે. 'ગટર લાઇન નથી, પાણી આવતું નથી'
સ્થાનિક કમુબેને જણાવ્યું હતું કે, અહીં કોઈ કોર્પોરેટર ક્યારેય મુલાકાત લેવા આવતા નથી, અને અમે એ પણ નથી જાણતા કે કોર્પોરેટર કોણ છે. ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જવાથી નાના બાળકો પડી જાય છે અને ગટરો ઉભરાવવાની સમસ્યા પણ છે. હવે વિસ્તારની સ્થિતિ સુધારવા માટે પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. 'મકાન તોડ્યા તેમને નવા મકાન આપવામાં આવ્યા નથી'
કોંગ્રેસના રાણીપ વોર્ડના મહામંત્રી ભરત શાહે જણાવ્યું હતું કે, એક કામ કર્યા પછી તેને તોડીને ફરીથી બીજું કામ કરવામાં આવે છે. આમ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. શહેરમાં કોમનવેલ્થનું આયોજન કરવા લોકોના મકાન તોડ્યા છે તેમને નવા મકાન આપવામાં આવ્યા નથી. 'પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ત્રણ નવી પાણીની ટાંકી બનાવાઈ'
ગત ચૂંટણીમાં ચૂંટાયેલા દશરથ પટેલે જણાવ્યું હતું કે, ચંદ્રભાગા વહેણના ગંદા પાણીના માર્ગ ઉપર ડક કેનાલ બનાવવાનો 200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં રાણીપ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ત્રણ નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. રાણીપ વોર્ડમાં નિર્ધારિત RCC રોડ પૈકી 98 ટકા કામ પૂર્ણ થયું છે. વોર્ડમાં જીનેશિયમ, લાઇબ્રેરીની વ્યવસ્થાઓ છે. 'કેટલાક કાર્યો પાઇપ લાઇનમાં છે'
દશરથ પટેલે કહ્યું કે, કોમ્યુનિટી હોલ બનાવવાનું કાર્ય ચાલુ છે. અહીં ત્રણ તળાવોને રીતે કરાશે અને એક નવું તળાવ બનાવવામાં આવશે. બલોલ નગર ચાર રસ્તાથી પ્રમુખ નગર સુધી વ્હાઇટ ટેપિંગ રોડ બનાવવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ રાણીપમાં આકાર લેવાનું છે. 840 કરોડના વિકાસ કાર્યોમાંથી કેટલાક કાર્યો થયા છે અને કેટલાક પાઇપ લાઇનમાં છે.
Read Original Article →