પ્રેમસંબંધની અદાવતમાં વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ:અજીત મીલ પાસેથી ગાડીમાં નાખી બાલાસિનોર લઈ જઈ બેઝબોલના ડંડાથી ફટકાર્યો

Gujarat6/4/2026, 6:27:17 AM
પ્રેમસંબંધની અદાવતમાં વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ:અજીત મીલ પાસેથી ગાડીમાં નાખી બાલાસિનોર લઈ જઈ બેઝબોલના ડંડાથી ફટકાર્યો
શહેરના રખિયાલ વિસ્તારમાં પ્રેમસંબંધની જૂની અદાવત રાખીને એક 27 વર્ષીય વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. યુવતીના પતિએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળીને યુવકને અજીત મીલ ચાર રસ્તા પાસેથી જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધો હતો અને છેક બાલાસિનોર લઈ જઈ નિર્દયતાપૂર્વક ફટકાર્યો હતો. આ મામલે ભોગ બનનારે રખિયાલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. સોશિયલ મીડિયાના પરિચયથી શરૂ થઈ અદાવત મળતી માહિતી અનુસાર, રખિયાલ વિસ્તારમાં રહેતો વશીક પઠાણ નામનો યુવક અજીત મીલ પાસે પોતાની દુકાન ધરાવીને વેપાર કરે છે. 2022માં રખિયાલ વિસ્તારની જ એક યુવતી તેના સંપર્કમાં આવી હતી અને બંને વોટ્સએપ તથા ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા હતા. આ બાબતની જાણ યુવતીના પતિ ઇમરાનને થઈ જતાં તેણે અગાઉ વશીકના ઘરે આવી હોબાળો કર્યો હતો, જોકે બાદમાં સમાધાન થતાં બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. બપોરના સમયે મુલાકાતના બહાને બોલાવી કર્યું અપહરણ ગત 30 મેના રોજ બપોરે ઇમરાને ફોન કરીને વશીકને સોનીની ચાલી મળવા બોલાવ્યો હતો, પરંતુ વશીકે મહાગુજરાત બેકરી પાસે આવવાનું કહેતા ઇમરાન ત્યાં ગાડી લઈને પહોંચ્યો હતો. ઇમરાને વશીકને ગાડીમાં બેસવા કહ્યું પરંતુ તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ ઇમરાને વશીકને અજીત મીલ ચાર રસ્તા પાસે બોલાવતાં વશીક પોતાના મિત્રો સાથે ત્યાં ગયો હતો. આ સમયે ઇમરાન ગાડીમાં બીજા બે મિત્રો સાથે તૈયાર ઊભો હતો. તેણે વશીક સાથે હાથ મિલાવવાના બહાને તેનો હાથ પકડી લીધો હતો અને તેને જબરદસ્તીથી સીધો ગાડીમાં ખેંચી લીધો હતો. બાલાસિનોરના ખેતરમાં ગોંધી રાખી બેઝબોલના ડંડા વડે હુમલો ગાડી સીધી રીંગ રોડ તરફ ભગાડવામાં આવતાં વશીકના મિત્રોએ પોતાની ગાડીથી અપહરણકારોનો પીછો કર્યો હતો અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ પૂરપાટ ઝડપે ગાડી બાલાસિનોર તરફ ભગાડી ગયા હતા. બાલાસિનોર નજીક આવેલા એક અવાવરુ ખેતરમાં વશીકને બંધક બનાવીને ત્રણેય આરોપીઓએ બેઝબોલના ડંડા વડે તેને કમકમાટીભર્યો માર માર્યો હતો. આરોપીને ઝડપી પાડવા પોલીસે ટીમો બનાવી હુમલાખોરોએ ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને પણ જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. ત્યારબાદ તેઓ વશીકને ત્યાં જ લોહીલુહાણ હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વશીકના પિતા અને તેના મિત્રો તાત્કાલિક બાલાસિનોર પહોંચ્યા હતા અને તેને અમદાવાદ લાવી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. હાલમાં રખિયાલ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
Read Original Article →