કિશોર લંગડાના પૌત્ર સામે સિસ્ટમ ‘લંગડી’, રાજકોટમાં રિવોલ્વર સાથે ઝડપાયો:બુટલેગરના પૌત્રને હત્યાના પ્રયાસમાં 3 દિવસમાં જામીન, હવે મસટંગ કારમાં હથિયાર સાથે સીનસપાટા માર્યા
અમદાવાદના અસારવાના બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ રાજકોટ SOGના હાથે ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો છે. રાજકોટના ન્યારી ડેમ રોડ પર આદિત્ય રાઠોડ તેનો મિત્ર ધ્રુમિલ ઠાકોર અને એક સગીર રિવોલ્વર સાથે ફોટા પાડી રીલ બનાવતા હતા. જેથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી એક હથિયાર તેમજ લકઝરી GT મસટંગ કાર મળી કુલ 83.65 લાખનો મુદામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી પાસેનું હથિયાર સગીર આરોપીના કોઈ સબંધીનું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી આદિત્ય રાઠોડ અવારનવાર અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આતંક મચાવતો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ અમદાવાદની કોલેજ બહાર તોડફોડ કરવા અને મારામારીના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આદિત્ય વિરુદ્ધ અમદાવાદમાં 3 અને ગાંધીનગરમાં એક મળી કુલ 4 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગુનેગારો પર પોલીસની ધાક જમાવવા માટે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી આરોપીઓને ઝડપીને ગુના બન્યાના સ્થળ પર લઈ જતી હોય છે. રિકન્સ્ટ્રકશન સમયે આરોપીઓ લંગડાતા જોવા મળતા હોય છે. પરંતુ, અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રના કેસમાં આ ધાક જોવા મળી નહોતી. અમદાવાદની GLS કોલેજ બહાર બે મહિના પહેલા તોડફોડ અને હત્યાના પ્રયાસ કેસમાં આરોપી આદિત્ય રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. 12 મે, 2026એ પોલીસ આદિત્યને લઈ બનાવ સ્થળે પહોંચી હતી. રિકન્સ્ટ્રકશન દરમિયાન જે રીતે અન્ય આરોપીઓની સ્થિતિ હોય છે તેનાથી ઉલટ આદિત્ય રાઠોડ બિન્દાસ્ત અને સીધા પગે ચાલતો જોવા મળ્યો હતો. 9 માર્ચે અમદાવાદની GLS કોલેજ બહાર તોડફોડ અને મારામારીનો કેસ
9 માર્ચના રોજ GLS કોલેજની બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે ગાડીમાંથી ઉતરી હથિયાર વડે હત્યાનો પ્રયાસ કર્યો હતો.આદિત્યએ વિદ્યાર્થીની પાર્ક કરેલી થાર ગાડીમાં હથિયાર વડે તોડફોડ પણ કરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જેના આધારે નવરંગપુરા પોલીસે આદિત્ય વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બનાવ બાદ આરોપી બે મહિનાથી ફરાર હતો. ગાંધીનગરની PDPU પાસેથી આદિત્યની ધરપકડ
અમદાવાદ ઝોન-1 એલસીબીની ટીમે બાતમીના આધારે ગાંધીનગર પીડીપીયુ પાસેથી ગઈકાલે મોડીરાત્રે આરોપીની ધરપકડ કરી હતી અને નવરંગપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.જે બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફ સાથે આરોપીનું GLS કોલેજ પાસે જ રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.પી ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદ થયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો,જેની બે મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીની ધરપકડ કરી તેની સાથે અન્ય પણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. 9 મહિના પહેલા શાહીબાગમાં અકસ્માત સર્જી એક્ટિવાચાલકનો જીવ લીધો હતો
અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવાચાલકને ટક્કર મારીને જીવ લીધો હતો. કારચાલકે પૂરપાટ ઝડપે કાર વડે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાયો, જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. આરોપીના પિતા અને દાદા બૂટલેગર
આરોપી આદિત્ય રાઠોડના દાદા કિશોરસિંહ રાઠોડ અમદાવાદનો કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર છે. આરોપીના પિતા દિલીપસિંહ પણ બૂટલેગર છે. આરોપી પણ સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે હથિયારો સાથે ગાડીમાં વીડિયો બનાવે છે.
Read Original Article →