આજે પણ ગરમી યથાવત, રાજ્યમાં પારો 40°C ને પાર રહેશે:રાજકોટમાં 42.7 ડિગ્રી સાથે અસહ્ય બફારો, 29મી સુધી વાતાવરણ સૂકું રહેશે; તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો

Gujarat5/24/2026, 4:07:26 AM
આજે પણ ગરમી યથાવત, રાજ્યમાં પારો 40°C ને પાર રહેશે:રાજકોટમાં 42.7 ડિગ્રી સાથે અસહ્ય બફારો, 29મી સુધી વાતાવરણ સૂકું રહેશે; તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો
ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો 40°C થી ઉપર રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 મેથી 30 મે 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. રાજકોટમાં 42.7 ડિગ્રી સાથે અસહ્ય બફારો થયો. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ (30 મે) દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ ગુજરાત પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે જ પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફ લાઇનના પ્રભાવને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં 23મેના વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આગામી દિવસોમાં વરસાદને લઈને રાજ્યમાં કોઈ શક્યતા નથી. અમદાવાદમાં તાપમાન 42°Cની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે જે પ્રમાણે જણાવ્યું હતું કે, રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 1થી2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં 22 મેના રોજ 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન હતું. જેમાં ગઈકાલે(23મે) ઘટાડો થતા 42.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 42°Cની આસપાસ રહેવાની શક્યતા છે. દેશમાં ચોમાસાની સ્થિતિ શું ? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ અરબી સમૂદ્રના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વ અરબી સમૂદ્ર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય ભાગો તેમજ આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે. આગામી 3થી 4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ પણ વાંચો વિશ્વના 50 સૌથી ગરમ શહેરોમાં ભારતના 37, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16નાં મોત ભારતનો અડધાથી વધુ ભાગ તીવ્ર તડકો અને હીટવેવથી તપી રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા ભાગોમાં તાપમાન હજુ પણ 45°Cને પાર જઈ રહ્યું છે. મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી શનિવારે સતત બીજા દિવસે દેશમાં સૌથી ગરમ રહ્યું. અહીં 47.1°C તાપમાન નોંધાયું. તેલંગાણાના 7 જિલ્લામાં હીટસ્ટ્રોકના કારણે છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે. પ્રાઈવેટ એજન્સી AQI.in મુજબ, શનિવારે વિશ્વના 50 સૌથી ગરમ શહેરોમાં ભારતના 37 શહેર હતા. આમાં બાંદા, ચંદ્રપુર, રાયપુર, પ્રયાગરાજ જેવા શહેરોનો સમાવેશ થતો હતો. યુપીના બાંદામાં 46.2°C તાપમાન રહ્યું. ઓડિશાના ઝારસુગુડામાં 45.2°C નોંધાયું. દિલ્હીના ઘણા ભાગોમાં તાપમાન 44°C ને પાર પહોંચી ગયું. જોકે, બપોર પછી યુપી, દિલ્હી, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ થયો. આનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી. રાજસ્થાનના તમામ શહેરોનું તાપમાન 45°C થી નીચે આવી ગયું. (વાંચો સંપૂર્ણ અહેવાલ) 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો, 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે "ગરમ અને ભારે બફારાવાળું (ઉકળાટવાળું) વાતાવરણ. જ્યારે વાતાવરણમાં તાપમાન પણ ઊંચું હોય અને હવામાં ભેજનું પ્રમાણ પણ ઘણું વધારે હોય, ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. આ શબ્દ બે અલગ-અલગ ભૌતિક સ્થિતિઓ ભેગી મળીને બને છે. હોટ (Hot): એટલે કે વાતાવરણનું ઊંચું તાપમાન (તેજ ગરમી). હ્યુમિડ (Humid): એટલે કે હવામાં પાણીની વરાળ અથવા ભેજનું ઊંચું પ્રમાણ. આ વાતાવરણ કેમ અસહ્ય લાગે છે? પરસેવો સુકાતો નથી: સામાન્ય સૂકી ગરમીમાં આપણું શરીર પરસેવો પાડીને પોતાની જાતને ઠંડી રાખે છે, કારણ કે પરસેવો હવામાં ઝડપથી ઊડી (બાષ્પીભવન થઈ) જાય છે. પરંતુ 'હ્યુમિડ' (ભેજવાળા) વાતાવરણમાં હવામાં પહેલેથી જ પાણીનો ભાગ એટલો બધો હોય છે કે શરીરનો પરસેવો જલ્દી સુકાતો નથી. આના કારણે ચામડી ચીકણી થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ ભારે ઉકળાટ અનુભવાય છે. હીટ ઇન્ડેક્સ (Real Feel): આ પ્રકારના હવામાનમાં વાસ્તવિક તાપમાન કરતાં આપણને ગરમી ઘણી વધારે અનુભવાય છે. દાખલા તરીકે, જો થર્મોમીટરમાં તાપમાન 35°C બતાવતું હોય પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 75% હોય, તો આપણા શરીરને એવું લાગશે કે જાણે બહાર 42°C જેટલી આકરી ગરમી છે! ગુજરાતમાં આ સ્થિતિ ક્યારે અને ક્યાં જોવા મળે છે? દરિયાકાંઠાના વિસ્તારો: ગુજરાતના દરિયાકિનારા નજીક આવેલા શહેરો જેવા કે સુરત, વલસાડ, વેરાવળ, પોરબંદર, જામનગર અને દીવમાં મોટેભાગે 'હોટ એન્ડ હ્યુમિડ' વાતાવરણ વધારે જોવા મળે છે. ચોમાસાની શરૂઆત પહેલાં: સમગ્ર ગુજરાતમાં મે મહિનાના અંતમાં (પ્રી-મોન્સૂન સમયગાળામાં) અને ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ ખેંચાય છે, ત્યારે વાતાવરણમાં ભેજ વધવાને કારણે આવો અસહ્ય અને ચીકણો બફારો અનુભવાય છે. ટૂંકમાં કહીએ તો આ એવી ગરમી છે, જેમાં માણસ માત્ર પરસેવે રેબઝેબ નથી થતો, પણ આખું શરીર જાણે કુકરમાં બાફાતું હોય તેવો અહેસાસ થાય છે.
Read Original Article →