AIIMSના પાંચ વિદ્યાર્થીઓની હાઇકોર્ટમાં અરજી:આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોંધાયો હતો, વધુ સુનાવણી 22 જૂનના રોજ થશે

Gujarat4/10/2026, 11:16:53 AM
AIIMSના પાંચ વિદ્યાર્થીઓની હાઇકોર્ટમાં અરજી:આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોંધાયો હતો, વધુ સુનાવણી 22 જૂનના રોજ થશે
રાજકોટની AIIMSના પાંચ મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગયા મહિને એક અંતિમ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા, તેને દુષ્પ્રેરણ આપવાના આરોપો લાગેલા છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટ પણ છોડી હતી. ગયા મહિને પાંચ MBBS વિદ્યાર્થીઓ પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિઘ્નમ નૂર અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ક્લાસમેટ એવા રાજસ્થાનના રતન કુમાર મેઘવાલે 14 માર્ચે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ પાંચેય વિરુદ્ધ BNS અને એટ્રોસિટી એક્ટ અધિનિયમ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધાયો હતો. મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતી આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી રજૂઆત કરાઈ હતી કે, મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતી. જેમાંથી બે નોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંસ્થાના ફેકલ્ટી સભ્યોને મોકલવામાં આવી હતી, જ્યારે ત્રીજી નોટ રેલ્વે ટ્રેક પાસે તેના મૃતદેહ નજીક પડેલી બેગમાંથી મળી આવી હતી. આરોપી વિદ્યાર્થીઓએ તેની સાથે એક મહિનાથી વધુ સમયથી વાત કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે, મેઘવાલે 27 જાન્યુઆરીએ તેની પ્રથમ સુસાઈડ નોટ શેર કરી હતી અને બીજા દિવસે તે રાજકોટમાં રેલ્વે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવી મૃતક વિદ્યાર્થીની મેડિકલ ટ્રીટમેન્ટનો ઉલ્લેખ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, તે સ્કિઝોફ્રેનિયાથી પીડાતો હતો અને તેની એક સુસાઈડ નોટમાં એક છોકરીના નામનો પણ ઉલ્લેખ હતો. પોલીસ સમક્ષ મેઘવાલના નિવેદનને પણ ટાંકવામાં આવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે એક મહિનાથી આ પાંચ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ન હતી. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, FIRમાં પ્રથમ સુસાઈડ નોટનો ઉલ્લેખ છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ લખ્યું હતું કે, એક દિવસ પહેલા આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર મેઘવાલના પિતાને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવી છે.
Read Original Article →