મહિલાએ સોનાની બંગડીઓ સેરવી લીધી, CCTV:દીકરાના સ્કૂલની ફી ભરવા માટે ચોરી કર્યાંની કબૂલાત, મૂળ પોરબંદરની મહિલાએ અમદાવાદમાં બે જ્વેલર્સમાં હાથફેરો કર્યો

Gujarat5/15/2026, 6:35:00 PM
મહિલાએ સોનાની બંગડીઓ સેરવી લીધી, CCTV:દીકરાના સ્કૂલની ફી ભરવા માટે ચોરી કર્યાંની કબૂલાત, મૂળ પોરબંદરની મહિલાએ અમદાવાદમાં બે જ્વેલર્સમાં હાથફેરો કર્યો
અમદાવાદના માણેકચોક અને ગીતામંદિર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરનાર મૂળ પોરબંદરની મહિલાની ખાડીયા પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલા દુકાનમાં ગ્રાહક બનીને ગઈ હતી ત્યારબાદ બંગડીઓ બતાવવાનું કહી અને નજર ચૂકવીને બંને જવેલર્સમાંથી ચોરી કરીને જતી રહી હતી. આરોપી મહિલાના પુત્રની સ્કૂલની ફી બાકી હતી. જેના કારણે આર્થિક સંકળામણ હોવાથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ મહિલાએ કબૂલ્યું છે. બે જ્વેલર્સમાંથી સોનાની બંગડીની ચોરી કરી માણેકચોકમાં માયશા નામના જ્વેલર્સમાં મહિલા નજર ચુકવીને ચાર જોડી સોનાની બંગડીઓ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જ્યારે ગીતામંદિર પાસે કલ્યાણી ગોલ્ડ જ્વેલર્સમાં આ બંગડી તમે ઓછા વજનમાં ઓછી કિંમતમાં બતાવો એમ કહીને નજર ચૂકવીને સોનાની એક જોડી બંગડી ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી મૂળ પોરબંદરની રહેવાસી મહિલાને ઝડપી પાડી હતી. CCTVના આધારે મહિલાની ધરપકડ E ડિવિઝન ACP વાણી દુધાતે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાના સંબંધી અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં રહે છે અને તે તેમના ઘરે આવી હતી. ત્યારબાદ પોતે માણેકચોકમાં એક જ્વેલર્સની દુકાનમાં ગઈ હતી. જ્યાં નજર ચૂકવીને સોનાની બંગડીઓની ચોરી કરી હતી. આરોપી મહિલા પોરબંદરની છે અને પોતે કપડાની દુકાન ધરાવે છે. પુત્રની સ્કૂલ ફી માટે ચોરી કર્યાંની કબૂલાત આરોપી મહિલાને એક પુત્ર છે જે ધોરણ 9માં પોરબંદરની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતે આર્થિક સંકળામણમાં છે અને તેના પુત્રની સ્કૂલની ફી ભરવાની છે જેના કારણે થઈને તેણે આ ચોરી કરી છે. જો સ્કૂલની ફી ભરશે નહીં તો તેના પુત્રને સ્કૂલમાંથી કાઢી મૂકશે. જેના કારણે થઈને તેણે અમદાવાદમાં માણેકચોકમાં સૌ પ્રથમ ચોરી કરી હતી. ત્યારબાદ પોતે આ દાગીનાને વેચવા માટે ગઈ હતી અને બીજી જગ્યાએ ગીતામંદિર વિસ્તારમાં ચોરી કરી અને પોરબંદર જવાની ફિરાકમાં હતી. તે દરમિયાનમાં પોલીસે તેને ઝડપી પાડી હતી. ખરેખર આર્થિક સંકળામણના કારણે ચોરી કરી છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →