પાસપોર્ટ અરજદારો માટે મહત્ત્વના સમાચાર:ઇદ નિમિત્તે 28મી મેના રોજ જાહેર રજા, એપોઇન્ટમેન્ટ 27મીએ રી-શેડ્યૂલ કરાઈ
આગામી ઇદ-ઉલ-ઝુહા (બકરી ઇદ) ના પવિત્ર તહેવાર નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણયના પગલે અમદાવાદ સ્થિત ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય (RPO) તેમજ તેના હેઠળ આવતા તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો (PSKs) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSKs) ના સમયપત્રકમાં પણ મોટો બદલાવ કરાયો છે. જે મુજબ હવે ૨૮મી મેના રોજ પાસપોર્ટ કચેરીઓમાં રજા રહેશે, જ્યારે 27મી મેના રોજ તમામ કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. રજાની તારીખ બદલાતા એપોઇન્ટમેન્ટમાં ફેરફાર
ભારત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, અગાઉ જે રજા 27-05-2026 (બુધવાર) ના રોજ રાખવામાં આવી હતી, તેના સ્થાને હવે 28-05-2026 (ગુરુવાર)ના રોજ સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. આ ફેરફારના કારણે 27 મેના રોજ તમામ પાસપોર્ટ ઓફિસો નિયમિત રીતે કાર્યરત રહેશે. જેથી વહીવટી તંત્ર દ્વારા ૨૮ મેના રોજ બુક થયેલી તમામ એપોઇન્ટમેન્ટ્સને એક દિવસ વહેલી એટલે કે 27-05-2026 માટે પુનઃ નિર્ધારિત (Re-scheduled) કરી દેવામાં આવી છે. અરજદારોને SMS અને ઇ-મેઇલ દ્વારા કરાઈ જાણ
જે નાગરિકોએ 28 મે માટે પોતાની પાસપોર્ટ એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી, તે તમામ સંબંધિત અરજદારોને પાસપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS અને ઇમેઇલ મોકલીને આ ફેરફાર અંગે વિગતવાર જાણ કરવામાં આવી રહી છે. નિર્ધારિત સમયે હાજર રહેવા પાસપોર્ટ વિભાગની વિનંતી
ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય દ્વારા અરજદારોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે, જેમની એપોઇન્ટમેન્ટ 28 મેના રોજ હતી. તેઓએ હવે 27 મે, 2026 (બુધવાર)ના રોજ તેમના અગાઉથી નક્કી થયેલા સમયગાળા (Time Slot) મુજબ જ સંબંધિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK), ડાકઘર પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) અથવા રીજીયોનલ પાસપોર્ટ ઓફિસ (RPO) ખાતે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. અરજદારો પોતાની સુધારેલી એપોઇન્ટમેન્ટની વધુ વિગતો અને સ્લિપ મેળવવા માટે પાસપોર્ટ સેવાના સત્તાવાર પોર્ટલ (www.passportindia.gov.in) ની મુલાકાત લઈ શકે છે.
Read Original Article →