Re-NEET પરીક્ષામાં OMRમાં માર્ક્સ વધારવાનું રેકેટ ચાલતું હોવાનો આક્ષેપ:શુભમ ઠાકરે કહ્યું- આરોપીઓનો 20 લાખમાં MBBSમાં એડમિશનનો દાવો, પુરાવા છતાં કોઈ કાર્યવાહી નહીં

Gujarat6/3/2026, 11:24:09 AM
Re-NEET પરીક્ષામાં OMRમાં માર્ક્સ વધારવાનું રેકેટ ચાલતું હોવાનો આક્ષેપ:શુભમ ઠાકરે કહ્યું- આરોપીઓનો 20 લાખમાં MBBSમાં એડમિશનનો દાવો, પુરાવા છતાં કોઈ કાર્યવાહી નહીં
સામાજિક કાર્યકર શુભમ ઠાકરે કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આક્ષેપ કર્યો છે કે, NEET 2026 અને Re-NEET પરીક્ષામાં OMR શીટમાં ગેરરીતિ આચરીને સ્ટેટ કટઓફ ક્લિયર કરાવવાનું કરોડો રૂપિયાનું રેકેટ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સક્રિય આ જૂથો વિદ્યાર્થીઓ પાસેથી ₹20 લાખ ઉઘરાવીને સરકારી મેડિકલ બેઠકો પર પ્રવેશ અપાવવાની લાલચ આપી રહ્યા છે. આ સમગ્ર મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સાયબર ક્રાઇમ સેલમાં પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક તપાસ શરૂ ન થતાં પરીક્ષાની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે. ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી અને સંડોવાયેલી સંસ્થાઓ શુભમ ઠાકરના દાવા મુજબ, ઝારખંડ સ્થિત 'કાઉન્સેલિંગ ઇન્ડિયા' નામની ખાનગી સંસ્થાની મીનાક્ષી ઝા અને પશ્ચિમ બંગાળનો આરવસિંગ નામના વ્યક્તિઓ આ કૌભાંડ ચલાવી રહ્યા છે. જેમાં NEETના રજીસ્ટ્રેશન પહેલાં સંસ્થાની ઓફિસ પર ડાયરેક્ટર સાથે મુલાકાત કરવાની રહે છે. રકમ ચૂકવ્યા બાદ ઉમેદવારોને એક નિશ્ચિત પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા જણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ ન થાય તે રીતે માત્ર 80 માર્ક્સ સુધીના જ મર્યાદિત પ્રશ્નો એટેન્ડ કરવાની સૂચના અપાય છે. બાકી રહેલી ખાલી OMR શીટ પરીક્ષા કેન્દ્ર પર હાજર તેમના માણસો દ્વારા ભરી દેવામાં આવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને 720માંથી 720 પૂરા માર્ક્સ અપાવવાના દાવા સાથે અલગથી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડીને ડાયરેક્ટ MBBS મેનેજમેન્ટ કોટામાં એડમિશન કરાવવાની ખાતરી પણ આપવામાં આવે છે. ખાનગી એજન્સીઓ અને NTAની ભૂમિકા પર સવાલો શુભમ ઠાકરે જણાવ્યું હતું કે, NTA દ્વારા પરીક્ષા સંચાલન માટેના ટેન્ડર પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવતા હોવાથી કેટલાક તત્વો આ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. એક તરફ NTA પરીક્ષાની આંતરિક પ્રોસેસ બહાર ન પાડવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ એક્ઝામ કંટ્રોલિંગ એજન્સી કઈ રીતે કામ કરે છે તેનું આખું ટેન્ડર અને પ્રક્રિયા બહાર ઉપલબ્ધ છે, જેનો ફાયદો આવા લોકો ઉઠાવે છે. અગાઉ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ થયા બાદ હવે આગામી RE-NEET પરીક્ષા યોગ્ય રીતે લેવાશે કે નહીં તે અંગે મોટો સવાલ ઊભો થયો છે. પુરાવા સોંપવા છતાં કાર્યવાહીનો અભાવ આ રેકેટ ચલાવનારા લોકો સાથે સામાજિક કાર્યકરે પોતે પણ વાતચીત કરી હતી. ત્યારબાદ જાગૃત નાગરિક તરીકે NTAને ઇમેઇલ મારફતે અને સાયબર ક્રાઇમ સેલમાં સંકળાયેલા લોકોના સંપર્ક નંબર, સરનામા તથા ઓડિયો ક્લિપ સહિતના તમામ પુરાવાઓ સાથે લેખિત અરજી આપવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. લાયક અને તેજસ્વી વિદ્યાર્થીઓના હક પર ત્રાપ મારતા આવા રેકેટ સામે NTA પોતે ફરિયાદી બનીને નિષ્પક્ષ અને વ્યાપક તપાસ કરાવે તેમજ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
Read Original Article →