સુપ્રીમે દરિયામાં ડ્રેજિંગ કરવા મામલે બે કંપનીઓને અયોગ્ય ઠેરવી:ઓખા, ઓલ્ડ મુન્દ્રા અને નવલખી બંદરો ખાતે ડ્રેજિંગ માટે જાહેર કરાયેલા ટેન્ડર મામલે ચુકાદો

Gujarat4/7/2026, 1:31:30 PM
સુપ્રીમે દરિયામાં ડ્રેજિંગ કરવા મામલે બે કંપનીઓને અયોગ્ય ઠેરવી:ઓખા, ઓલ્ડ મુન્દ્રા અને નવલખી બંદરો ખાતે ડ્રેજિંગ માટે જાહેર કરાયેલા ટેન્ડર મામલે ચુકાદો
સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકાર હેઠળના ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેમાં બે મોટા ડ્રેજિંગ ઓપરેટરો ધરતી ડ્રેજિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સહારા ડ્રેજિંગ લિમિટેડને એક ઑફશોર કોન્ટ્રાક્ટમાંથી અયોગ્ય ઠરાવવામાં આવ્યા હતા. આ ચુકાદાથી ગુજરાતના સમુદ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અમલીકરણનો માર્ગ ખુલ્લો થયો છે. આ કેસ ઓખા, ઓલ્ડ મુન્દ્રા અને નવલખી બંદરો ખાતે ડ્રેજિંગ માટે જાહેર કરાયેલા ટેન્ડર સાથે સંકળાયેલો હતો. આ ત્રણેય બંદરો કચ્છના ખાડી વિસ્તારમાં આવેલા છે, જે વ્યાપારિક તેમજ સંવેદનશીલ દરિયાકાંઠા માટે જાણીતા છે. આ બંદરોને ઊંડા, નાવચાલન માટે યોગ્ય અને કાર્યરત રાખવું માત્ર આર્થિક નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે જરૂરી છે. મરિન ડ્રેજિંગ એટલે સમુદ્રના તળિયે એકત્રિત થયેલા કાંપ, રેતી અને અન્ય અવશેષોને દૂર કરવાની પ્રક્રિયા. સમય જતા આ જમાવટ પાણીની ઊંડાઈ ઘટાડે છે, જેના કારણે મોટા કાર્ગો જહાજો માટે પસાર થવું મુશ્કેલ બને છે. મરિન ડ્રેજિંગ ખાસ કરીને ખુલ્લા સમુદ્રમાં કરવામાં આવે છે, જ્યાં ઊંચા જ્વારભાટા અને અનિશ્ચિત પરિસ્થિતિઓ હોય છે. કાઢવામાં આવેલ સામગ્રીને સમુદ્રના વધુ ઊંડા ભાગોમાં નિકાલ કરવામાં આવે છે, જેને ડીપ સી ડિસ્પોઝલ કહેવામાં આવે છે. બીડર્સ પાસે મરિન ડ્રેજિંગનો અનુભવ જ નહોતો ઓખા, મુન્દ્રા અને નવલખી જેવા બંદરોમાં ડ્રેજિંગ “સમુદ્રના હાઈવે”ને ખુલ્લા રાખવાનું કામ કરે છે. જો ડ્રેજિંગ ન થાય તો ક્રૂડ ઓઈલ, કોલસો, ખાતર અથવા આવશ્યક વસ્તુઓ લઈ જતા જહાજો બંદર સુધી પહોંચી શકશે નહીં. GMBએ સ્પષ્ટ કર્યું હતું કે ફક્ત તે જ બિડરો પાત્ર ગણાશે જેઓ પાસે ખુલ્લા સમુદ્રમાં મરિન ડ્રેજિંગનો અનુભવ હોય, માત્ર નદી કે આંતરિક ડ્રેજિંગનો અનુભવ પૂરતો નહીં ગણાય. બિડ્સની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લીડ બિડર પાસે એવો મરિન ડ્રેજિંગનો અનુભવ નહોતો અને તેમનું કામ મુખ્યત્વે નદી સંબંધિત પ્રોજેક્ટ્સમાં સીમિત હતું. બિડરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી તેમની અયોગ્યતા સામે બિડરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને GMB દ્વારા જોહુકમી તથા દુર્ભાવના હોવાનો આરોપ લગાવ્યો હતો. GMB તરફથી હાજર સરકારી વકીલ જી.એચ.વીર્કે આ આરોપોનો વિરોધ કર્યો હતો અને પ્રોજેક્ટની ટેકનિકલ જટિલતા તથા જોખમોને ધ્યાનમાં રાખીને શરતોમાં છૂટછાટ ન આપવાની દલીલ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે નાવચાલનની સલામતી, બંદરોની કાર્યક્ષમતા અને માલસામાનની અવરજવરનો મુદ્દો હોય, ત્યારે ટેકનિકલ માપદંડોમાં સમાધાન થઈ શકે નહીં. નવલખી જેવા બંદરો સંપૂર્ણ રીતે કાર્યરત બનવા માટે ડ્રેજિંગની રાહ જોઈ રહ્યા છે, તેઓમાં મોટી સંભાવનાઓ છુપાયેલી છે. આ પ્રોજેક્ટ માત્ર પાણીની ઊંડાઈ વધારવાનો મુદ્દો નથી, પરંતુ આર્થિક ક્ષમતાઓને ઉજાગર કરવાનો, સતત સમુદ્રી પરિવહન સુનિશ્ચિત કરવાનો અને અનિશ્ચિત સમયમાં ભારતની ક્ષમતાને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.
Read Original Article →