ટેક્સ ચોરી પકડવા સેટેલાઇટ સોફ્ટવેર સિસ્ટમ ઊભી કરાશે:હવે ‘ઉપરવાળો’ બધું જોશે!

Gujarat4/6/2026, 12:05:15 AM
ટેક્સ ચોરી પકડવા સેટેલાઇટ સોફ્ટવેર સિસ્ટમ ઊભી કરાશે:હવે ‘ઉપરવાળો’ બધું જોશે!
ગુજરાતના આવકવેરા વિભાગ અને ઇસરો વચ્ચે ટેક્સ સંબંધિત માહિતીના આદાનપ્રદાન માટે એમઓયુ થયા છે. એમઓયુ મુજબ, એક સોફ્ટવેર ટુલ્સ કે મોડેલ બનાવાશે, જે ટેક્સના વહીવટતંત્ર અને ટેક્સ નિયમોના પાલન માટે સેટેલાઇટ તસવીરનો ઉપયોગ કરશે, એટલે કે સેટલાઇટ ડેટા દ્વારા કરચોરી પકડવામાં આવશે. હાલમાં ખેતીની જમીન બાબતે મુખ્ય બે રીતે ટેક્સ ચોરી થાય છે: ખેતી કર્યા વગર કૃષિ આવક બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા બિનખેતીને કૃષિ જમીન બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા માટે બિનખેતી જમીનને કૃષિ તરીકે દર્શાવવી. હવે સેટેલાઇટ ડેટાના એનાલિસિસથી આ બંને ગેરરીતિઓ સરળતાથી પકડાશે. રિમોટ સેન્સિંગ દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ અને ડેટા પરથી પાકનો પ્રકાર, તેની વૃદ્ધિ, જમીન લીલી છે કે સૂકી આ બધું જાણી શકાય છે. એટલે કે સેટેલાઇટ ઇમેજના ઉપયોગથી ખેતીની જમીનની ખરાઇ થઇ શકશે અને ખોટી કૃષિ આવક બતાવી ટેક્સ ચોરી કરનાર પર લગામ લાગશે. આ એમઓયુ થવાથી રિમોટ સેન્સિંગ ડેટાથી ઇન્કમ ટેક્સ રિટર્નની સ્ક્રુટિની વધુ ચોક્કસ બનશે. ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઈક્રોવેવ રડાર સેટેલાઈટ આ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઇક્રોવેવ રડાર સેટેલાઇટનો ઉપયોગ થશે, જે 3-5 વર્ષ સતત માહિતી આપશે. ઉપરાંત 15-20 વર્ષનો ડેટા હોવાથી લાંબા ગાળાની તપાસ થઇ શકશે. ડેટાનો ઉપયોગ સાચા ખેડૂતો પોતાના હિત માટે કરી શકશે. કોઈ સાચી ખેતી કરે છે, તો ડેટાના આધારે પોતાની આવકને સાબિત કરી ખોટા કેસથી બચી શકશે. ‘આ માટે ખાસ એપ-પોર્ટલ તૈયાર જેમાં અધિકારીઓને જમીનનો ઈતિહાસ દેખાશે’ નોર્મલાઇઝ્ડ ડિફરન્સ વિજિટેશન ઇન્ડેક્સ (NDVI) ટેકનોલોજીથી પાકની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન થાય છે. જો કોઈ કરદાતા 5 વર્ષથી ખેતી બતાવે પરંતુ સેટેલાઇટ ડેટામાં જમીન સૂકી દેખાય, તો તરત જ શંકા ઊભી થાય છે. આ માટે ખાસ એપ અને પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી અધિકારીઓ સીધા જ જમીનનો ઇતિહાસ જોઈ શકે. અગાઉ 2થી 5 વર્ષ જૂના રિટર્ન ચકાસવામાં આવકવેરા અધિકારીઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સેટેલાઇટ ડેટાથી તપાસ ઝડપી બનશે. > નિલેશ દેસાઇ, ડાયરેક્ટર, ઇસરો ભાસ્કર ઇનસાઇડ: કેવી રીતે ખેતીની જમીન બતાવી ટેક્સ ચોરી થાય છે? ખોટી પેમેન્ટ સ્લિપ રજૂ કરીને: જો જમીન વેચતા પહેલા ઓછામાં ઓછા બે વર્ષ સુધી તેના પર ખેતી થઈ હોય, તો કેપિટલ ગેઈન ટેક્સમાં મુક્તિ મળે છે. પરંતુ કેટલાક લોકો બંજર જમીન વેચે છે જેના પર ક્યારેય પાક લેવાયો નથી. તેઓ ટેક્સ બચાવવા બનાવટી પેમેન્ટ સ્લિપ રજૂ કરે છે. ખેતીના ખર્ચમાં વધારો બતાવવો: ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો ખેતી માટે બિયારણ, ખાતર અને મજૂરીના ખોટા બિલો બનાવીને વધુ પડતો ખર્ચ દર્શાવે છે. આનાથી તે જમીન પર થતો નફો ઓછો દેખાય છે, જેનો ઉપયોગ અન્ય કાળા નાણાંને એડજસ્ટ કરવા માટે થાય છે. જમીનની કિંમત ઓછી દર્શાવવી: જમીન વેચતી વખતે તેની સાચી બજાર કિંમત કરતાં દસ્તાવેજમાં ઓછી કિંમત દર્શાવવામાં આવે છે. બાકીની રકમ રોકડમાં લેવામાં આવે છે, જેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડતો નથી. જમીનનો બિન-ખેતી ઉપયોગ છુપાવવો: ઘણીવાર જમીન માલિકો જમીનનો ઉપયોગ વાણિજ્યિક કે રહેણાંક હેતુ માટે કરતા હોય છે, પરંતુ કાગળ પર તેને ખેતીની જમીન તરીકે જ દર્શાવે છે. અન્ય વ્યવસાયની આવકને ખેતીની આવક ગણાવે છે. પાક વીમા ક્લેઇમનું પણ આકલન થઇ શકશે આ ટેકનોલોજીનો ઉપયોગ કરચોરી પકડવા પૂરતો જ નહીં, ક્રોપ ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં પણ થશે. પાકની વૃદ્ધિ, સિઝનલ ફેરફારના આધારે ક્લેઇમ નક્કી થઈ શકશે. આ ઉપરાંત ખોટા ક્લેઇમ પર નિયંત્રણ આવશે. કેટલું નુકસાન થયું તે ચોક્કસ માપી શકાય છે. ખેડૂતો દાવો સાબિત કરી શકે છે અને સરકાર પણ સચોટ રીતે ક્લેઇમ નક્કી કરી શકે છે, જેથી પારદર્શિતા વધશે.
Read Original Article →