ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:માત્ર પનીર, ઘી, તેલ, મિઠાઇ, મસાલા નહીં... આખી સિસ્ટમ નકલી છે!, FSSAIના નિયમોનું ઉલ્લંઘન, 15 મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી અયોગ્ય હાથોમાં
ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા નિર્ધારિત લાયકાત ધરાવતા આરોગ્ય અધિકારીઓ ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી, 2023ના રોજ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ ફૂડ શાખાના મહત્ત્વના હોદ્દા ડેઝિગ્નેટેડ ઓફિસર (ડીઓ) માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ફરજિયાત રખાયો છે. જોકે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં નિયમોને અવગણી મનસ્વી, અયોગ્ય નિમણૂકો કરાયાનું સામે આવ્યું છે. નોટિફિકેશનમાં એમબીબીએસનો કોઇ ઉલ્લેખ નથી, પરંતુ કેમિસ્ટ્રી વિષયમાં બેચલર, માસ્ટર્સ અથવા ડૉક્ટરેટ ડિગ્રી જરૂરી હોવા છતાં MBBS ડૉક્ટરોને જ નિમણૂક અપાઈ છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ મ્યુનિ.ની લાપરવાહીના કારણે ફૂડ પોઈઝનિંગ કે મોતની ઘટનાઓ માત્ર અકસ્માત નથી, પરંતુ તંત્રની નિષ્ફળતા અને બેદરકારીનું પરિણામ છે. રાજ્ય સ્તરે ડીઓની મહત્વપૂર્ણ પોસ્ટ પર FSSAIની લાયકાત મુજબ જ નિમણૂકો થાય છે, પરંતુ શહેરોની મનપામાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા અધિકારીઓને સ્થાન આપવાના બદલે ‘સારા’ નહીં પરંતુ ‘મારા’ અધિકારીને પ્રાથમિકતા અપાય છે. અણઘડ વહીવટના ખતરનાક પરિણામો પ્રજા ભોગવી રહી છે. 1 કરોડ કિલો ભેળસેળિયો ખોરાક ઝડપાયો, 4% કેસ ક્રિમિનલ, ફૂડ સેફ્ટી વિભાગમાં 300 જગ્યા ખાલી છેલ્લા 5 વર્ષમાં 1 કરોડ કિલોથી વધુ ભેળસેળિયો ખોરાક ઝડપાયો છે. તેમાં સૌથી વધુ ઘી, પનીર, બટર, માવો, દૂધ સહિતના ખાદ્ય પદાર્થ સામેલ છે. આ દરમિયાન રાજ્યમાં કુલ ભેળસેળ માટે 6 હજાર કેસ નોંધાયા છે. તેમાં માત્ર 4% એટલે કે 233 કેસ જ ફોજદારી છે. બાકીના તમામ કેસ દિવાની છે, તેમાં કુલ 15 કરોડનો દંડ ફટકારાયો છે. રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગમાં 300 જગ્યા ખાલી છે. (માહિતી વિધાનસભાના જવાબ અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીના આધારે ) જોગવાઇ છતાં આજીવન થતી નથી પેસ્ટ કંટ્રોલમાં જરૂરી સાવચેતી નથી
ખોરાકમાંથી જીવાતો અથવા ઈયળો મળતા તાત્કાલિક પેસ્ટ કંટ્રોલ કરવાનો આદેશ છૂટે છે, પરંતુ કેમિકલ્સ ખોરાકમાં ભળી ન જાય તેની પૂરતી કાળજી લેવાતી નથી. એકેય મનપામાં લાયકાત ધરાવતા ડીઓ નથી
રાજ્યની એક પણ મનપામાં જરૂરી લાયકાત ધરાવતા ડેઝિગ્નેટેડ ઓફિસર (DO) નથી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, આણંદમાં ડીઓની લાયકાત MBBS છે. ગાંધીનગરમાં કોઇ ડીઓ નિમણૂક નથી. નવી 8 મનપા- નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, નડિયાદ, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્ર-દૂધરેજ-વઢવાણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડીઓ કાયમી નથી.
Read Original Article →