જાહેરમાં દારૂની મહેફિલ માણતા બે યુવકો પકડ્યા:નોબલનગરમાં જાહેર રોડ ઉપર ચાર શખ્સોએ દારૂના ગ્લાસ ભર્યા, સ્થાનિકે વીડિયો બનાવી વાઇરલ કરતા પોલીસ દોડતી થઈ
અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોબલનગરથી ભદ્રેશ્વર તરફ જવાના જાહેર રોડ પર દારૂની મહેફિલ માણતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. અંધારાનો લાભ લઈ જાહેરમાં દારૂ પીતા આ શખ્સોને સ્થાનિક નાગરિકે કેમેરામાં કેદ કરી લેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જાહેર રોડ પર દારૂના ગ્લાસ ભરી મહેફિલ જમાવી
ઘટનાની વિગત મુજબ, નોબલનગર ચાર રસ્તાથી ભદ્રેશ્વર તરફ જવાના માર્ગ પર એરપોર્ટની દિવાલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ત્રણથી ચાર લોકો ગાડી ઉભી રાખીને દારૂના ગ્લાસ ભરીને બેઠા હતા. આ સમયે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે તેમનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે વ્યક્તિએ તેમને પૂછપરછ કરી, ત્યારે આ શખ્સો પોતાના મોઢા સંતાડીને દારૂના ગ્લાસ સાથે ત્યાંથી ભાગતા વીડિયોમાં કેદ થયા હતા. એરપોર્ટ પોલીસે બે યુવકોની અટકાયત કરી
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વીડિયો ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. રાત્રિના સમયે જાહેરમાં નશો કરી કાયદાનું ઉલ્લંઘન કરનારા બે યુવકોને ઓળખી કાઢી તેમની અટકાયત કરવામાં આવી છે. દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા સામે દાખલારૂપ કામગીરી
પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે. જાહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે દાખલારૂપ કામગીરી કરી એરપોર્ટ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર મળતી આવી ફરિયાદો સામે ત્વરિત પગલાં લેવામાં આવશે.
Read Original Article →