નિકોલ ખાતે 'પ્રવચન નહીં, પ્રયોગ' શિબિર યોજાઈ:700થી વધુ લોકોએ આરોગ્ય-જીવનશૈલી પર માર્ગદર્શન મેળવ્યું
અમદાવાદના નિકોલ વિસ્તારમાં 'સાન ટુ હ્યુમન ફાઉન્ડેશન' દ્વારા 'પ્રવચન નહીં, પ્રયોગ' નામની એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 700થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેનો મુખ્ય હેતુ આગામી 15 થી 20 માર્ચ, 2027 દરમિયાન યોજાનારી વિશેષ શિબિર અંગે લોકોને માહિતી આપવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન 'સાન ટુ હ્યુમન' સંસ્થાના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ફાઉન્ડેશન દ્વારા દેશ-વિદેશમાં હજારો નિઃશુલ્ક શિબિરોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં આરોગ્ય, સુખાકારી અને જીવનશૈલી સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોને સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાનના મહત્વ વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત, જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા માટે પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, શિબિર દરમિયાન ભાવનાત્મક વિકાસ, માનસિક એકાગ્રતા અને વ્યક્તિગત ક્ષમતાઓના વિકાસ માટે વિવિધ પ્રયોગો અને માર્ગદર્શન અપાય છે. કાર્યક્રમમાં સ્વાસ્થ્યવર્ધક નાસ્તાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ આગામી માર્ચ 2027માં યોજાનારી વિશેષ શિબિર માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →