નિકોલની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલની મનમાની:LCના નામે વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા ઉઘરાવ્યા, વાલીઓએ DEOને ફરિયાદ કરતા શાળાને શો-કોઝ નોટિસ ફટકારાઈ

Gujarat5/24/2026, 2:47:03 PM
નિકોલની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલની મનમાની:LCના નામે વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા ઉઘરાવ્યા, વાલીઓએ DEOને ફરિયાદ કરતા શાળાને શો-કોઝ નોટિસ ફટકારાઈ
અમદાવાદમાં વધુ એક શાળાની મનમાની સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી LCના નામે ખોટી રીતે 300 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જેની ફરિયાદ વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી. જેથી, વાલીઓની રજૂઆતના આધારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો કરવા માટે શાળાને આદેશ કર્યો છે તેમજ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, જેથી તપાસ બાદ શાળા સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસેથી LC માટે ફી ઉઘરાવવામાં આવી હતી શહેરમાં ખાનગી શાળાઓની મનમાનીને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. નિકોલ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા દ્વારા વાલીઓ પાસેથી ખોટી રીતે ફી વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શાળા સંચાલક દ્વારા નિયમ વિરુદ્ધ જઈને વિદ્યાર્થીઓ પાસેથી LC (લીવિંગ સર્ટિફિકેટ) માટે ફી ઉઘરાવવામાં આવી હતી. શાળાએ વિદ્યાર્થીઓ પાસેથી LC આપવા બદલ 300 રૂપિયા જેટલી રકમ વસૂલ કરી હોવાનું સામે આવ્યું છે. મહત્વની બાબત એ છે કે શિક્ષણ વિભાગના નિયમો મુજબ શાળા કોઈપણ વિદ્યાર્થી પાસેથી LC આપવા બદલ કોઈ પ્રકારની ફી ઉઘરાવી શકતી નથી. પ્રિન્સિપાલના આદેશથી જ નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છતાં શાળા દ્વારા વિદ્યાર્થીઓ ખોટી રીતે LC માટેની ફી વસૂલવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા. એટલું જ નહીં વાલીઓને ફી ભરી હોવાની રસીદ પણ આપવામાં આવી હતી. જેથી, પુરાવાના આધારે વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસમાં શાળાના પ્રિન્સિપાલના આદેશથી જ નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. જેથી, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ ફટકારી છે તેમજ શા માટે નિયમ વિરુદ્ધ વસૂલાત કરવામાં આવી, કોના આદેશથી આ પ્રક્રિયા થઈ અને કેટલા વિદ્યાર્થીઓ પાસેથી આ રીતે ફી લેવામાં આવી તે મુદ્દે પણ શાળા પાસે જવાબ માંગવામાં આવ્યો છે. ખોટી રીતે ચાર્જ વસૂલવા બદલ શાળાને નોટિસ આપી ફી પરત કરવા આદેશ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, નિકોલ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ દ્વારા LCના વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ મળી હતી. જેથી તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમજ શાળાને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી છે. LC જ્યારે આપવાની હોય ત્યારે કોઈપણ શાળા કોઇપણ પ્રકારનો ચાર્જ લઈ શકે નહી. જેથી, ખોટી રીતે ચાર્જ વસૂલવા બદલ શાળાને નોટિસ આપવામાં આવી છે. આધાર પુરાવા સ્પષ્ટ છે કે, શાળાએ ચાર્જ વસૂલ્યો છે. જેથી તપાસ બાદ શાળા સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલેલી ફી પણ પરત કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
Read Original Article →