નેપાળમાં ભારતીય ખેલાડીઓનો દબદબો:આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં આરવ રાજપૂત, ધર્મ પંડિત અને 8 વર્ષની સાલની વિશ્વકર્માએ દેશને અપાવ્યા ગોલ્ડ મેડલ
નેપાળ ખાતે તા. 29 મે થી 2 જૂન 2026 દરમિયાન યોજાયેલી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના અમદાવાદના પ્રતિભાશાળી કરાટે પ્લેયર આરવ રાજપૂત અને 8 વર્ષની બાળકી સાલની વિશ્વકર્મા અને ધર્મ પંડિતે શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.
સ્પર્ધાના પ્રથમ મુકાબલામાં ધર્મ પંડિતે ભૂતાનના ખેલાડીને પરાજિત કર્યો હતો. ત્યારબાદ બીજા રાઉન્ડમાં શ્રીલંકાના પ્રતિસ્પર્ધી સામે જીત મેળવી હતી અને અંતિમ મુકાબલામાં કઝાકિસ્તાનના મજબૂત ખેલાડીને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમની આ સિદ્ધિ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ બની છે. સાલની વિશ્વકર્માએ કલર બેલ્ટ કેટેગરીમાં 8 થી 9 વર્ષના વયજૂથ તેમજ 21 થી 25 કિલોગ્રામ વજન વર્ગમાં ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરીને ભારત માટે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 16થી વધુ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સાલનીએ સતત ત્રણ કઠિન મુકાબલાઓમાં વિજય મેળવી તિરંગાનો ગૌરવ વધાર્યો હતો.
આરવ રાજપૂતની તમામ મેચો અત્યંત કઠિન અને સંઘર્ષમય રહી હતી. પ્રથમ મુકાબલામાં તેમણે પાકિસ્તાનના ખેલાડીને પરાજિત કર્યો હતો. ત્યારબાદ બ્રાઝિલ, માલદીવ અને અંતિમ રાઉન્ડમાં કોરિયાના મજબૂત પ્રતિસ્પર્ધીઓને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સિદ્ધિ સાથે આરવ રાજપૂતે સતત પાંચમી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગોલ્ડ મેડલ અપાવી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. આ અગાઉ પણ આરવ રાજપૂતે વિવિધ દેશોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધાઓમાં સતત ચાર વખત ગોલ્ડ મેડલ જીતી ભારતનો ગૌરવ વધાર્યો છે. ઉપરાંત તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ આઠ વખત ગુજરાત માટે ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે. સમાજસેવાના ક્ષેત્રે પણ આરવ રાજપૂતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે અત્યાર સુધી 18,000થી વધુ દીકરીઓને નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી મહિલા સુરક્ષા અને આત્મવિશ્વાસ વધારવાના અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ આરવ રાજપૂતે જણાવ્યું હતું કે તેમનું આગામી લક્ષ્ય વર્ષ 2028માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવાનું છે. તેમની આ સફળતા ગુજરાત તેમજ દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને સાબિત કરે છે કે દૃઢ સંકલ્પ, સતત મહેનત અને દેશપ્રેમથી કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.
Read Original Article →