અસારવા સિવિલ બહાર NEET પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:કેન્દ્રીય શિક્ષણમંત્રીનું રાજીનામું અને NTAના ડિરેક્ટર સામે ફરિયાદની માંગ કરી, રસ્તો રોકી વિરોધ કરતા પોલીસે ટીંગાટોળી કરી
NEET પરીક્ષાનું પેપર લીક થતા NTA દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, હવે નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ પરીક્ષા રદ કરવામાં આવતા વિદ્યાર્થી સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અસારવા સિવિલ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકારો બદલો પછી જ સિસ્ટમ બદલાશે તેવા પોસ્ટર સાથે નારા લગાવી કેન્દ્રીય શિક્ષણમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. જો કે રસ્તો રોકી વિરોધ કરતા પોલીસે દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું હોવાનો આક્ષેપ
અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા NEET પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા રદ થવા મુદ્દે વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. NEET પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ્દ થતાં દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું હોવાનો યુથ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી અસારવા સિવિલ બહાર પોસ્ટર સાથે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો તેવા નારા લગાવ્યા હતા. પોલીસ દ્વારા યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓની અટકાયત
તેમજ NTAના ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ત્યાં સુધી રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર નારા લગાવી રસ્તો રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે તે બાદ પોલીસ દ્વારા અટકાયત કરવા જતા કેટલાક કાર્યકર્તાઓ પોલીસની બસ પર ચડીને ઉગ્ર નારા લગાવી વિરોધ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. NTAના ચેરમેન સામે ફરિયાદ દાખલ કરવામાં આવે
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા NEET પરીક્ષા રદ થવાના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું. પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ પેપર લિકની ઘટના પહેલી વખત બની નથી. અગાઉ 2024માં પણ ગોધરાના ટ્રસ્ટી દ્વારા જલારામ સ્કૂલમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. ત્યારે આ પેપર લિકની ઘટનામાં સત્તાપક્ષ સામેલ હોય તેવું અમારું માનવું છે. આગામી દિવસમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં લેવામાં આવે ત્યાં સુધી NTAના ચેરમેન સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનાત્મક કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે.
Read Original Article →