પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજની સૌરભ સ્કૂલમાં વિવાદ:ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને શાળા બહાર ઊભા રાખ્યાનો વાલીનો આક્ષેપ, કોઈ ભૂલ વાલીથી થયાનો સ્કૂલનો લૂલો બચાવ

Gujarat4/6/2026, 7:30:14 AM
પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજની સૌરભ સ્કૂલમાં વિવાદ:ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને શાળા બહાર ઊભા રાખ્યાનો વાલીનો આક્ષેપ, કોઈ ભૂલ વાલીથી થયાનો સ્કૂલનો લૂલો બચાવ
આજથી ધોરણ 3થી 5ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. જે આગામી 11 એપ્રિલના રોજ પૂર્ણ થવાની છે. ત્યારે પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજ વિસ્તારમાં આવેલી શાળામાં વિવાદ સર્જાયો છે. સૌરભ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરની ફી ન ભરનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. 20 કરતા વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી ન હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.ફી ક્યારે ભરશો તેની બાહેંધરી વાલીઓ પાસેથી લીધા બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે. જો કે સ્કૂલે લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીને બહાર ઉભા રાખવામાં આવ્યા નથી. મારી દીકરીને પરીક્ષા આપવાની ના પાડી:વાલી વાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરી અહીંયા શાળામાં અભ્યાસ કરે છે. સવારે 7.30 વાગ્યે મારી દીકરીના બે ફોન આવે છે. એક ફોન ઉપાડી ન શકી જે બાદ બીજો કોલ ઉપાડ્યો હતો. મારી દીકરીએ એવું કહ્યું હતું કે મને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી છે.ફી અત્યારે ભરશો તો જ પરીક્ષા આપવા મળશે તેવું કહેવામાં આવ્યું હતું. છેલ્લા સેમેસ્ટરની 6 હજાર રૂપિયા ફી બાકી છે,બાકી બધી ફી ભરી દીધી છે.માત્ર મારી દીકરી જ નહીં અન્ય જે વિદ્યાર્થિઓની ફી બાકી હતી તે તમામને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી હતી. 'ફી ભરવાની ખાતરી આપ્યા બાદ પરીક્ષા આપવા દીધી' વધુમાં વાલીએ જણાવ્યું હતું કે, મેં સર સાથે વાત કરી તો તેમણે એવું કહ્યું કે તમારે ફી ભરવી જ પડશે તો જ પરીક્ષા આપવા મળશે.જેથી મેં કહ્યું કે હું આજે ફી ભરી દઈશ તમે પરીક્ષા આપવા દો હું અત્યારે પહોંચી શકું તેમ નથી થોડીવારમાં આવીને ફી ભરી દઈશ. જેથી તરત આવીને કહ્યું કે 27 કલાકમાં હું ફી ભરી દઈશ જે બાદ મારી દીકરીને પરીક્ષામાં બેસવા દીધી હતી. બાકી બીજા વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. જેના માતા પિતા આવ્યા તેમને કહ્યું કે ફી ભરી દઈશું તેવા જ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવ્યા હતા. 8.30 વાગ્યા સુધી તો જવા દેવામાં પણ આવતા નહતો. એક સાથે ભરવી હોય તો એક સાથે પણ ભરી શકાય છે અને અલગથી ભરવી હોય તો અલગથી પણ ભરી શકાય છે. પરંતુ બધી ભરી દીધી છે ખાલી છેલ્લી સેમેસ્ટરની જ ફી જ બાકી હતી. વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે:ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સૌરભ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તુલિકા શાહે જણાવ્યું હતું કે, આજથી પરીક્ષા શરૂ ગઈ છે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી તેમના વાલીને ફોન કરવામાં આવ્યો છે, પરંતુ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે. અત્યારે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.એવું નથી કે ફી બાકી હોય તો પરીક્ષા નહીં આપવા દઈએ. કોઈપણ વિદ્યાર્થીને બહાર ઊભા રાખવામાં આવતા ન હતા વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે.
Read Original Article →