મીઠાખળીમાં ખુલ્લી તલવારો સાથે ચાર શખસો દુકાન પર ત્રાટક્યા:મેયર બંગલા નજીક 200 મીટરના અંતરે બનેલી ઘટનાથી વેપારીઓમાં ભારે ફફડાટ, નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વીવીઆઈપી ઝોન ગણાતા મીઠાખળી વિસ્તારમાં આવેલા કાર એસેસરીઝના શોરૂમ પાસે ચાર શખ્સો ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યા હતા. મેયર બંગલાથી અંદાજે માત્ર 200 મીટરના અંતરે બનેલી આ ઘટનાના કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. હાથમાં તલવારો લઈને આતંક મચાવતા આ શખ્સો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેના આધારે નવરંગપુરા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. ખુલ્લી તલવાર લઈને શખસો કાર એસેસરીને દુકાનો ધસી આવ્યા
મળતી માહિતી મુજબ, આ ઘટના પાછળ અગાઉની કોઈ અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચાર શખ્સો એક રિક્ષામાં સવાર થઈને મીઠાખળીમાં આવેલી કાર એસેસરીઝની દુકાને પહોંચ્યા હતા. તેમના હાથમાં ખુલ્લી તલવારો જોઈને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર માધુપુરા વિસ્તારનો સાહિલ ઉર્ફે મચ્છી હડિયલ છે. તેની સાથે આકાશ છાત્રાલીયા, વિશાલ ચૌહાણ અને જીગર પરમાર નામના શખ્સો પણ સામેલ હતા. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરીને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →