ડીઝલ ચોરી અને નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી:ટ્રક ડ્રાઈવરને છરી બતાવી 250 લીટર ડીઝલની ચોરી, દાણીલીમડામાં 11 કિલો ગાંજા સાથે એક ઝડપાયો
ભાવનગરના ટ્રક ડ્રાઈવર શંભુભા ગોહિલ સાથે લૂંટની એક ઘટના બની છે. ગત 29 એપ્રિલે તેઓ પોતાનો ટ્રક લઈને અસલાલીથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પીપળજ-કમોડ રોડ પાસે આરામ કરવા માટે ટ્રક સાઈડમાં ઊભી રાખી હતી. આ દરમિયાન એક સ્વિફ્ટ કારમાં ચાર શખસો ત્યાં આવ્યા અને ટ્રકની ડીઝલ ટેંકનું લોક તોડવા લાગ્યા હતા. જ્યારે ડ્રાઈવરે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે બે શખસોએ છરી બતાવી તેમને ડરાવી દીધા હતા. લૂંટારુઓ ટેંકમાંથી આશરે 250 લીટર ડીઝલ ચોરીને પીપળજ તરફ નાસી છૂટ્યા હતા. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રામોલમાંથી અફીણના જથ્થા સાથે એકની ધરપકડ
બીજી તરફ, રામોલ વિસ્તારમાં ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) ની ટીમે બાતમીને આધારે કાર્યવાહી કરીને પ્રવીણકુમાર માંગીલાલ પુરોહિત નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 75.63 ગ્રામ અફીણ મળી આવ્યું છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ જથ્થો તેણે ઈસનપુરના સુરેશ બિશ્નોઈ મારફતે ઘોડાસરના ઈશ્વરલાલ પુરોહિત પાસેથી 16 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. હાલ પોલીસે આ મામલે ફરાર આરોપીઓ સુરેશ અને ઈશ્વરલાલની શોધખોળ શરૂ કરી છે. દાણીલીમડામાં 11 કિલો ગાંજા સાથે પેડલર ઝડપાયો
દાણીલીમડા પોલીસે પણ નશાના કારોબાર વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. નળવાળી ચાલી પાસે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરી રહેલા ફિરોજ ઉર્ફે 'ઘોડા પઠાણ'ને પોલીસે દબોચી લીધો છે. તેની પાસેથી 11 કિલો 770 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. 5.69 લાખ જેટલી થાય છે. આરોપીએ કબૂલાત કરી છે કે તે નડીયાદના ઈસરાઈલ નામના શખ્સ પાસેથી આ જથ્થો છૂટકમાં વેચવા માટે લાવ્યો હતો. દાણીલીમડા પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →