નરોડા કોલેજમાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો:બી.એ. અને બી.કોમ સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે આયોજન

Gujarat4/10/2026, 4:03:52 AM
નરોડા કોલેજમાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો:બી.એ. અને બી.કોમ સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે આયોજન
નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટસ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા બી.એ. તથા બી.કોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી પી.કે. પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરી અને કારોબારી સભ્ય પૂનમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સૂત્રમાળાથી સ્વાગત કરાયું હતું. વિદાય સમારોહ દરમિયાન, સેમેસ્ટર 6 ના પાંચ વિદ્યાર્થીઓએ કોલેજમાં તેમના ત્રણ વર્ષના અનુભવો અને વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરી હતી. અંગ્રેજી વિભાગના પ્રોફેસર જગદીશભાઈએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઋણ સ્વીકાર રૂપે, જી.એસ. ભૂમિ ચૌહાણ અને એલ.આર. ખુશ્બુ કેવટના હસ્તે નરોડા કોલેજને સ્મૃતિ ભેટ તરીકે તિજોરી અર્પણ કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવના ભાગરૂપે, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે, વિવિધ વિષયોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કંકુબા, જગજીવનભાઈ પટેલ, ગોરલ સુથાર, ડૉ. ગીતાબેન મહેતા, પ્રો. મયુષભાઈ પટેલ, ડૉ. રમીલાબેન ભટ્ટ અને ડૉ. રમેશભાઈ ચૌધરી શિષ્યવૃત્તિઓ એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીની બી.એ. પરીક્ષામાં સંસ્કૃત અને હિન્દી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવનાર સંજના જયસ્વાલ, કરીના રાજપૂત અને સિદ્ધાર્થ સિંહને ટ્રોફી અને કવર આપી સન્માનિત કરાયા હતા. રમતગમત વિભાગમાં, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમેલા સાત ખેલાડીઓને ટ્રોફી, ટ્રેક અને કવરથી સન્માનિત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક વિભાગમાં, ઇન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન મેળવનાર ધૈર્ય જોષી અને તૃતીય સ્થાન મેળવનાર રોશની મિશ્રા, તેમજ સિટી ઝોનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રોનક મકવાણાને ટ્રોફી એનાયત કરવામાં આવી. એન.એસ.એસ. વિભાગના બે શ્રેષ્ઠ સ્વયંસેવકોને પણ ટ્રોફીથી સન્માનિત કરાયા હતા. વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું સંચાલન ડૉ. પારુલબેન પટેલે કર્યું હતું, જ્યારે ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રો. ધીરેન્દ્રભાઈ સુથારે કર્યું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જી.એસ. ભૂમિ ચૌહાણે કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપ્ત થયો, ત્યારબાદ સૌએ પ્રીતિ ભોજન લીધું.
Read Original Article →