48 લાખના લાંચના કેસમાં બે આરોપીઓને 5 વર્ષની કેદ:ધ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંકના કર્મચારીઓના બાકી નાણાં આપવા લિવિડેટરે 30% લાંચ માંગી હતી
વર્ષ 2014માં અમદાવાદના એસીબી પોલીસ મથકે આરોપીઓ સૌરભ પટેલ અને કૃષ્ણકાંત પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો ચુકાદો આપતા આજે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતે 16 સાહેદ અને 46 પુરાવાને આધારે બંને આરોપીઓને 5 વર્ષ કેદ અને 50 હજારના વ્યક્તિગત દંડની સજા ફટકારી છે. કર્મચારીઓના બાકી નાણાં ચૂકવવા 30% લાંચ માગી
મૂળ આ કેસમાં RBI દ્વારા ધ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કરવામાં આવ્યા બાદ બેંક લિક્વિડેશનમાં ગઈ હતી. કૃષ્ણકાંત પટેલની તેના લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બેંકના કર્મચારીઓના પગાર, ગ્રેચ્યુઈટી અને અન્ય બાકી લેણાં ચૂકવવાના બદલામાં આરોપીઓ દ્વારા કુલ ચેકની રકમના 30 ટકા રકમ લાંચ તરીકે માંગવામાં આવી હતી. ફરિયાદ બાદ ACBએ છટકું ગોઠવી લાંચ લેતા ઝડપી પાડ્યા
આ બેંકના નિવૃત્ત ક્લાર્ક વિજયભાઈ રસિકલાલ ભાવસારે આ અંગે 21 એપ્રિલ, 2014 ના રોજ ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 22 એપ્રિલ, 2014 ના રોજ ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી પોતાનો ચેક જમા કરાવીને 30 ટકા લેખે થતી લાંચની રકમ લગભગ 6 લાખ રૂપિયા આરોપીને આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન, આરોપી સૌરભ પટેલ બેંકના ગેટની બહાર બે બેગ લઈને નીકળતા ઝડપાઈ ગયા હતા. પંચોની હાજરીમાં તપાસ કરતા તે બેગમાંથી બેંકના અન્ય કર્મચારીઓ પાસેથી 30 ટકા લેખે ઉઘરાવેલી લાંચની કુલ 48.56 લાખ જેટલી રોકડ રકમ અને કર્મચારીઓના લેણાંની વિગતો દર્શાવતા કાગળો મળી આવ્યા હતા. આરોપીના વકીલે દલીલ કરી હતી કે ઇલેક્ટ્રોનિક પુરાવા શંકાસ્પદ
બંને આરોપીઓએ પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. કૃષ્ણકાંત પટેલે બચાવ લીધો હતો કે તેમણે ક્યારેય લાંચ માંગી નથી, તેમની કેબિનમાંથી કોઈ રકમ મળી નથી અને રકમ વહેંચવાની જવાબદારી બેંક મેનેજરની હતી. આરોપી સૌરભ પટેલના વકીલે દલીલ કરી હતી કે ટ્રેપ સમયે ફરિયાદીએ આરોપીને સીધા પૈસા આપ્યા નહોતા અને ઇલેક્ટ્રોનિક પુરાવા શંકાસ્પદ છે. કર્મચારીઓએ ફરજિયાત 30 ટકા રકમ ચૂકવવી પડી હતી
કોર્ટે તારણો કાઢતા નોંધ્યું હતું કે, ફરિયાદી વિજય ભાવસાર, પંચ સાક્ષી કિશોરભાઈ અને અન્ય બેંક કર્મચારીઓની જુબાનીઓથી સાબિત થાય છે કે કર્મચારીઓએ પોતાના કાયદેસરના લેણાં મેળવવા માટે ફરજિયાત 30 ટકા રકમ ચૂકવવી પડી હતી. ફરિયાદીના પુત્ર કૃણાલ ભવસાર દ્વારા આરોપી કૃષ્ણકાંત પટેલ સાથે લાંચ અંગે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ અને FSLનો પોઝિટિવ રિપોર્ટ આરોપીઓની સંડોવણી સ્પષ્ટપણે સાબિત કરે છે. સક્ષમ સત્તાધિકારી દ્વારા કાયદેસર વિચારવિમર્શ કરીને આરોપી કૃષ્ણકાંત પટેલ સામે પ્રોસિક્યુશન સેન્ક્શન આપવામાં આવ્યું હતું, જે કાયદેસર રીતે યોગ્ય છે. આરોપી સૌરભ પટેલને ગુના બાદ તરત જ સેવામાંથી બરતરફ કરાયા હોવાથી તેમના માટે મંજૂરીની જરૂર નહોતી. કોર્ટે બંને આરોપીઓને 5-5 વર્ષ કેદની સજા ફટકારી
કોર્ટે ઠેરવ્યું હતું કે આરોપીઓ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 20 હેઠળ કાયદેસરની ધારણાનું ખંડન કરવામાં અને બેગમાંથી મળેલી કરોડોની રોકડ રકમ અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ બંને આરોપીઓ સામેના આરોપો કોઈપણ વ્યાજબી શંકા વિના સાબિત કરવામાં સફળ રહ્યો છે. આથી કોર્ટે બંને આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ દોષિત ઠેરવીને 5-5 વર્ષ કેદની સજા ફટકારી છે.
Read Original Article →