વોશિંગ મશીન અને પેટી પલંગમાં ગાંજો છુપાવેલો હતો:રામોલમાં ગાંજાના જથ્થા સાથે 1 મહિલાની ધરપકડ, 2 મહિલા વોન્ટેડ

Gujarat6/4/2026, 12:00:00 AM
રામોલના રાજીવનગર ટેકરા વિસ્તારમાંથી 3.30 લાખની કિંમતના 6.600 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે. મહિલાની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો તેના પાડોશી તથા તેના ભાભીના ઘરે રાખતી હતી. સાથે જ નારોલની એક મહિલા પાસેથી ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરતી હતી. જેથી પોલીસે મહિલાની ભાભી સહિત બે મહિલાઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂકરી છે. રામોલ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે, સીતારાબાનું મેમણ નામની મહિલા ઘરેથી ગાંજાનો ગેરકાદયે વેપાર કરે છે અને નજીકના સગાના ઘરે જથ્થો છુપાવે છે. માહિતીના આધારે પોલીસે રાજીવનગર ટેકરા ગેટ નં-3 પાસે સીતારાબાનુંને પકડી પાડી હતી. જે બાદ પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, જેલમાં રહેતા આરોપીના ઘરે ગાંજાનો જથ્થો છૂપાવ્યો હતો. જેથી પોલીસે તેના ઘરે તપાસ કરતા વોશિંગ મશીન અને પેટી પલંગ નીચેથી પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સીતારાબાનું ના ભાડાના મકાનમાંથી પણ ખાખી ટેપ વિંટાળેલા પાર્સલ મળી આવ્યા હતા. સીતારાબાનુંની પૂછપરછમાં તે આ જથ્થો નારોલની આશા ઉર્ફે આઈશા અંસારી પાસેથી લાવતી હતી અને તેના ભાભી મરજીનાબાનું ગાંજાની પડીકીઓ બનાવી આપતી અને છૂટકમાં વેચાણ કરતા હતા. જેથી પોલીસે ભાભી મરજીનાબાનુ સહિત બે મહિલાઓ સામે પણ ગુનો નોંધી તપાસ શરૂકરી છે. પોલીસને જથ્થો ના મળે તે માટે નવી ટેક્નિક અપનાવી પેડલરો દ્વારા એક નવી મોડેસ ઓપરેન્ડી શરૂ કરવામાં આવી છે. પેડલરો પોતાના ઘરે ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરવાની જગ્યાએ તેમના સંબંધીના ત્યાં જથ્થો રાખે અને ત્યાંથી લઈને છૂટકમાં વેચાણ કરે. જેથી પોતે પકડાય અને ઘરમાં તપાસ થાય તો ઘરમાંથી જથ્થો ના મળે. આ જ રીતે સીતારાબાનુંએ પણ કર્યુ હતુ. તેણે જથ્થો તેના ભાભીના ત્યાં રાખી દીધો હતો અને થોડો જથ્થો તેના પાડોશીના ઘરે મૂક્યો હતો. જેથી પોતાના ઘરે પોલીસ તપાસ કરે તો કંઈ મળી ના આવે.
Read Original Article →