આયોજન:17મીથી શરૂ થતા અધિક માસમાં શહેરની 27 વૈષ્ણવ હવેલીમાં 30 દિવસ મનોરથો યોજાશે

Gujarat5/13/2026, 12:00:00 AM
શહેરમાં 17 મેથી 15 જૂન દરમિયાન પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે વિવિધ વૈષ્ણવ હવેલીઓમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. વૈષ્ણવ અગ્રણી પીયૂષ શાહના જણાવ્યા અનુસાર, દર 3 વર્ષે આવતા આ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના, દાન-પુણ્ય અને દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. આ નિમિત્તે શહેરની 27થી વધુ હવેલીમાં વર્ષ દરમિયાન આવતા મુખ્ય મનોરથોનું ફરીથી આયોજન થશે. ગોપાલ ધામ (નારણપુરા), વ્રજધામ (સેટેલાઇટ), ભક્તિધામ (બોપલ) અને વલ્લભ સદન જેવી હવેલીઓમાં રોજ સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન દર્શન યોજાશે. ઉપરાંત, શ્રી ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપ દ્વારા 250 વૈષ્ણવો માટે વૃંદાવનમાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જ્યારે શહેરમાં 30 સ્થળે પણ કથા યોજાશે. સમગ્ર માસ દરમિયાન ભક્તો માટે વિવિધ આકર્ષક બંગલા અને હિંડોળાનાં દર્શન મુખ્ય આકર્ષણ રહેશે. આ માટે વૈષ્ણવ હવેલીઓએ સંપૂર્ણ તૈયારી પણ કરી છે. વસ્ત્રાપુરની શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી, નારણપુરાની શ્રી ગોપાલ ધામ હવેલી, સેટેલાઈટની વ્રજધામ હવેલી, બોપલની ભક્તિધામ હવેલી, આશ્રમ રોડની શ્રી વલ્લભ સદન હવેલી, નરોડાની બેઠકજી હવેલી સહિતની હવેલીઓમાં મનોરથ યોજાશે અને મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો હાજર રહેશે. અધિક માસમાં થતાં મુખ્ય મનોરથની યાદી •હિંડોળા મહોત્સવ : ફૂલના, મોતીના અને કાચના હિંડોળા • બંગલાના દર્શન : સુકામેવા, રત્નજડિત અને ફૂલના બંગલા • ઉત્સવ મનોરથ : નંદ મહોત્સવ, રથયાત્રા અને વિવાહ ખેલ • જળ વિહાર : બગીચામાં નાવ મનોરથ • ઋતુ મનોરથ : શરદપૂર્ણિમા અને શ્રાવણભાદો મનોરથ • અન્ય વિશેષ : મોર કુટીર, અષ્ટ સખા અને કેરી મનોરથ અધિક માસ એટલે શું? ભારતીય પંચાંગની ગણના સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત છે, જેમાં અધિક માસ એ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે. સામાન્ય રીતે સૂર્ય વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે, જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે. આ બંને વચ્ચે દર વર્ષે જે 11 દિવસનું અંતર સર્જાય છે, તે ત્રણ વર્ષે વધીને લગભગ એક મહિના જેટલું થઈ જાય છે. સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના આ સમયના તફાવતનું સંતુલન જાળવવા માટે દર 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના અંતરે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને ‘અધિક માસ’ કહેવામાં આવે છે.
Read Original Article →