બ્રિજ બનાવવા માટે નિર્ણય લેવાઈ શકે:મણિનગર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં 260 મિલકતો કપાતમાં જશે, ડિઝાઇન તૈયાર કરવા રેલ્વે અને AMC બેઠક કરશે

Gujarat6/5/2026, 6:35:00 PM
બ્રિજ બનાવવા માટે નિર્ણય લેવાઈ શકે:મણિનગર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં 260 મિલકતો કપાતમાં જશે, ડિઝાઇન તૈયાર કરવા રેલ્વે અને AMC બેઠક કરશે
અમદાવાદ શહેરને ફાટકમુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત રેલવે પ્રશાસન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ કડીમાં શહેરના પૂર્વ વિસ્તારના અત્યંત વ્યસ્ત એવા મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસે નવો ઓવરબ્રિજ બનાવવા માટેની હલચલ શરૂ થઈ ગઈ છે. બ્રિજની ડિઝાઇનની મંજૂરી અને કપાતમાં જતી મિલકતોના વળતર અંગે આગામી સપ્તાહે રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્યતા છે. 50-50 ટકાના ભાગીદારી ખર્ચે બનશે બ્રિજ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મણિનગર દક્ષિણી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગ દ્વારા એક એજન્સી પાસે ડિઝાઇન તૈયાર કરાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજિત રૂ.100 કરોડના ખર્ચે સાકાર થશે. નિયમ અનુસાર આ બ્રિજના નિર્માણનો 50 ટકા ખર્ચ રેલવે વિભાગ અને 50 ટકા ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે. જોકે, આ ડિઝાઇન અને પ્લાનિંગ અંગે રેલવે દ્વારા હજુ સુધી કોર્પોરેશનના સ્થાનિક સત્તાધીશો સાથે સત્તાવાર રીતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી નથી, જે આગામી બેઠકમાં હાથ ધરાશે. સ્વામિનારાયણ મંદિરથી ખોખરા ઇલાજ ક્રોસિંગ સુધી લંબાઈ આ પ્રસ્તાવિત ઓવરબ્રિજ અંદાજિત 850 મીટરથી વધુ લાંબો બનશે: એક છેડો: મણિનગર તરફ આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે ઉતરશે. બીજો છેડો: ખોખરા ઇલાજ ક્રોસિંગ તરફ ઉતરશે. રોડ નાનો હોવાથી 260 મિલકતો કપાતમાં જશે બ્રિજના નિર્માણમાં સૌથી મોટો પડકાર રોડની પહોળાઈનો છે. મણિનગર તરફ હાલમાં 20 ફૂટનો રોડ ઉપલબ્ધ છે, પરંતુ ખોખરા ઇલાજ ક્રોસિંગ તરફ માત્ર ૧૦ ફૂટનો જ રોડ હોવાના કારણે મોટા પાયે મિલકતો કપાતમાં જઈ રહી છે. પ્રારંભિક સર્વે અનુસાર કુલ 260 મિલકતો કપાતની ઝીંકમાં આવી રહી છે. આ કપાતમાં કેટલાક રહેણાંક ફ્લેટના આખેઆખા બ્લોક અથવા તેનો મોટો ભાગ કપાતમાં જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો આખો ફ્લેટ તોડવો પડે, તો અસરગ્રસ્ત પરિવારોને કેવી રીતે વૈકલ્પિક આવાસ કે રોકડ વળતર ચૂકવવું તે તંત્ર માટે મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત અન્ય કોમર્શિયલ અને જમીનના અસરગ્રસ્તોને ચૂકવાતી રકમની નીતિ નક્કી કરવા માટે આગામી અઠવાડિયે રેલવે અને કોર્પોરેશન તંત્ર સંયુક્ત બેઠક યોજીને આખરી આયોજન કરશે. આ બ્રિજ બનવાથી પૂર્વ વિસ્તારના હજારો વાહનચાલકોને ટ્રાફિક જામની કાયમી સમસ્યામાંથી મુક્તિ મળશે.
Read Original Article →