નાડોદા રાજપૂત સમિતિ દ્વારા દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પ યોજાયો:માંડલમાં કરાટે, તલવારબાજી સાથે વૈદિક શિક્ષણનું જ્ઞાન અપાયું; ક્ષત્રિયાણી સમિતિનું પ્રશંસનીય આયોજન
માંડલ સ્થિત શ્રી નાડોદા રાજપૂત ક્ષત્રિયાણી સમિતિ-ગુજરાત દ્વારા સમાજની દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટે માંડલ સ્થિત શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ સંકુલ ખાતે 4 દિવસીય નિવાસી 'સેલ્ફ ડિફેન્સ પ્રશિક્ષણ વર્ગ'નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મે મહિનામાં યોજાયેલા આ વિશેષ કેમ્પમાં 205 દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને કરાટે અને તલવારબાજી જેવા માર્શલ આર્ટ્સ દ્વારા શારીરિક રીતે સક્ષમ બનાવવાનો, વૈદિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન કરવાનો અને સમકાલીન વિષયોના માર્ગદર્શન દ્વારા બૌદ્ધિક રીતે જાગૃત કરવાનો હતો.
દીકરીઓના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક નિવાસી વર્ગ
વર્તમાન સમયમાં દીકરીઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તેમજ પોતાના સંસ્કારોનું જતન કરે તે હેતુથી શ્રી નાડોદા રાજપૂત ક્ષત્રિયાણી સમિતિ - ગુજરાત દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની દીકરીઓના સર્વાંગી વિકાસ (શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક) માટે દર વર્ષે મે મહિનામાં નિવાસી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષે માંડલ ખાતે આવેલા શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ સંકુલમાં 4 દિવસીય વિશેષ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં 205 દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શારીરિક, આધ્યાત્મિક અને વૈચારિક સક્ષમતાનો ત્રિવેણી સંગમ
આ ચાર દિવસીય નિવાસી વર્ગમાં દીકરીઓને આત્મનિર્ભર અને નીડર બનાવવા માટે ખાસ તાલીમ આપવામાં આપી હતી: શારીરિક સક્ષમતા (સેલ્ફ ડિફેન્સ): દીકરીઓને આત્મરક્ષણ માટે કરાટે, દંડ નિયુધ્ધ (લાઠી પ્રશિક્ષણ) અને તલવારબાજી જેવી પરંપરાગત તથા આધુનિક માર્શલ આર્ટ્સની સઘન ટ્રેનિંગ આપવામાં આવી હતી. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન: જીવનમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે વૈદિક શિક્ષાજ્ઞાન અને હિન્દુ ધર્મના 'સોળ સંસ્કાર' વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. બૌદ્ધિક અને સામાજિક જાગૃતિ: દીકરીઓના વૈચારિક વિકાસ માટે 'ક્ષત્રિય એટલે શું?', સોશિયલ મીડિયાની સકારાત્મક અને નકારાત્મક અસરો, લવ જેહાદ સામે સાવચેતી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પરિચય અને 'પંચ પરિવર્તન' જેવા સમકાલીન અને મહત્વના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ઉદાર હાથે આર્થિક સહયોગ
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ અને દાતાઓએ ખુલ્લા હાથે સહયોગ આપ્યો હતો: મુખ્ય ભોજન દાતા: ચમનભાઈ ભવાનભાઈ સિંધવ (હસ્તે-દર્શનસિંહ ચમનભાઈ સિંધવ - શ્રી રાજ શક્તિ કન્સ્ટ્રક્શન) તથા શ્રી પુંજાભાઈ કાળાભાઈ ડાભી (હસ્તે-રમેશભાઈ તથા નરેશભાઈ - ડી.કે એન્ટરપ્રાઇઝ, રાજકોટ) તરફથી મુખ્ય ભોજનની સેવા મળી હતી.
અન્ય સહયોગી દાતાઓ: પ્રવિણસિંહ ચાવડા, પ્રવીણભાઈ ભાલૈયા, મનુભાઈ પાવરા, નારણભાઈ સગર, લાલજીભાઈ ચાવડા, રિદ્ધિ સિદ્ધિ જાદવ, ભરતસિંહ સિંધવ, มનસ્વી બા સિંધવ, નરકેસરી પ્રકાશન, જેઠુબા પરમાર, મનુભાઈ ચાવડા, જાદવ યુગ પરમાર અને આરતીબા પરમાર તરફથી ઉદાર આર્થિક અને સામગ્રીનું દાન પ્રાપ્ત થયું હતું.
સમિતિની મહિલા પાંખનું પ્રશંસનીય અને સુચારુ આયોજન
આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગનું સફળ સંચાલન અને આયોજન ડો. કોમલબા સિંધવ (પ્રમુખ, શ્રી નાડોદા રાજપૂત ક્ષત્રિયાણી સમિતિ) તથા સમિતિના ઉપપ્રમુખ ગીતાબા ડોડ, મિત્તલબા સિંધવ, અસ્મિતાબા ડોડીયા, પ્રીતિબા ચાવડા, તૃષાબા રાજપુત, હેતલબા ચાવડા, رક્ષાબેન, ચંદ્રિકાબેન અને ઉમાબેન દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું.
Read Original Article →