મકરબામાં વેપારીનો ફિનાલઈ પી આપઘાતનો પ્રયાસ:પાણી બંધ કરી દુકાન ખાલી કરવા દબાણ કર્યું, બહારથી ટેબલ અંદર મૂકવાનું કહેતા ઝપાઝપી

Gujarat4/11/2026, 2:53:33 PM
મકરબામાં વેપારીનો ફિનાલઈ પી આપઘાતનો પ્રયાસ:પાણી બંધ કરી દુકાન ખાલી કરવા દબાણ કર્યું, બહારથી ટેબલ અંદર મૂકવાનું કહેતા ઝપાઝપી
અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ સમ્મેત પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં અઢી વર્ષથી ભાડે દુકાન ચલાવતા 28 વર્ષીય વેપારી મેહુલ ચૌહાણે સતત માનસિક દબાણથી કંટાળીને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મુકેશ શાહ અને તેમના પુત્ર મિત દ્વારા દુકાન ખાલી કરાવવા માટે આપવામાં આવતી ધમકીઓ અને પજવણીથી વ્યથિત થઈને વેપારીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું. હાલ આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે. ટેબલની સાથે તને પણ સળગાવી દઈશ ઘટનાની વિગતો મુજબ, 10 માર્ચના રોજ સાંજે મુકેશ શાહ અને તેમના પુત્ર મિત મેહુલની દુકાને પહોંચ્યા હતા અને દુકાન બહાર રાખવામાં આવેલા ટેબલ અંદર લેવા બાબતે તકરાર શરૂ કરી હતી. વેપારીએ અન્ય દુકાનોના ઉદાહરણ આપી દલીલ કરતા બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. આ બોલાચાલી બાદ મુકેશ શાહે સોસાયટીના ચેરમેન સાથે વાત કરી દુકાનનું પાણી બંધ કરાવી દીધું હતું. જ્યારે વેપારીએ આ બાબતે વિરોધ કર્યો, ત્યારે બંનેએ તેની સાથે ઝપાઝપી કરી હતી અને મિત શાહે "ટેબલની સાથે તને પણ સળગાવી દઈશ" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીએ કંટાળીને પોતાની જ દુકાનમાં ફિનાઈલ પીધું વિવાદ વધતા મુકેશ અને મિત શાહે સોસાયટીના સભ્યો સાથે મળીને દુકાન માલિક પર દબાણ લાવી મેહુલને દુકાન ખાલી કરવાની નોટિસ અપાવી હતી. દુકાન માલિકના કહેવા છતાં પણ બંને પક્ષકારો દ્વારા સતત પજવણી ચાલુ રહેતા મેહુલે કંટાળીને પોતાની જ દુકાનમાં ફિનાઈલ પી લીધું હતું. તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયતમાં હાલ સુધારો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરખેજ પોલીસે વેપારીની ફરિયાદના આધારે મુકેશ શાહ અને મિત શાહ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ભાડુઆત વેપારીઓ પર થતા દબાણ અને સ્થાનિક વિવાદોના ગંભીર પરિણામો તરફ સૌનું ધ્યાન દોર્યું છે.
Read Original Article →