કાકાના દીકરાએ JCB મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખી:સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી, મહમદપુરામાં જમીન વિવાદને લઈને પરિવારજનો વચ્ચે મામલો ઉગ્ર બન્યો
સરખેજ વિસ્તારમાં જમીન વિવાદને લઈને પરિવારજનો વચ્ચે મામલો ઉગ્ર બન્યો છે. મહમદપુરા પાસેના પ્લોટ પર ચાલી રહેલા બાંધકામ દરમિયાન ફરિયાદીના કાકાના દીકરાએ દીવાલ તોડી નાખી અને સિક્યુરિટી ગાર્ડને જાનથી મારી જ નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. JCB મશીન મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખતા ફરિયાદીને નુકશાન થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીએ કાકાના દીકરા ચિંતન પટેલ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરખેજ પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્લોટોને લઈને પરિવારમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે
રાજપથ રંગોલી રોડ પર રહેતા અને વ્યવસાય કરતા 47 વર્ષીય આદેશભાઈ પટેલે પોતાના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો સાથે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પિતાના ચાર ભાઈઓ છે અને દરેક પરિવાર અલગ અલગ રહે છે તથા અલગ અલગ ધંધામાં સંકળાયેલા છે. પરિવારજનો વચ્ચે મહમદપુરા વિસ્તારમાં આવેલા પ્લોટોને લઈને લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ ચાર પ્લોટ પૈકી ત્રણ પ્લોટ પર હાલમાં મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં દેખરેખ માટે દિવસે ત્રણ અને રાત્રે બે સિક્યુરિટી ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. છતાંય વિવાદે હવે હિંસક વળાંક લીધો હોવાનું સામે આવ્યું છે. 'પ્લોટ ખાલી નહીં કરો તો હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી'
11 એપ્રિલના રોજ સાંજે અંદાજે 6 વાગ્યે પ્રોજેક્ટ મેનેજર વ્યોમ ચૌહાણ સાઈટ પર હતા, ત્યારે આદેશના કાકાના દીકરા ચિંતન પટેલ પોતાના ડ્રાઈવર સાથે ત્યાં આવી પહોંચ્યા હતાં. ચિંતને ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડને પ્લોટ ખાલી કરવા માટે ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો પ્લોટ ખાલી નહીં કરવામાં આવે તો હાથ-પગ તોડી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી અને મારામારી પણ કરવામાં આવી હતી. ચિંતને આ મકાન પોતાની જમીન પર બનાવાયું હોવાનું કહી તોડી પાડવાની પણ ધમકી આપી હતી. JCBથી પ્લોટની દિવાલ તોડી નાખી
જે બાદ અચાનક જ ચિંતન પટેલે JCB મશીન મંગાવીને પ્લોટની દિવાલ તોડી નાખી હતી. જ્યારે સિક્યુરિટી ગાર્ડ્સે આ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફરિયાદીને કરવામાં આવી હતી. કાકાના દીકરા સામે ફરિયાદ નોંધાવી
જેથી ફરિયાદીએ તેના કાકાના દીકરા ચિંતન પટેલ સામે દિવાલ તોડી નુકસાન કર્યું હોવાની અને સિક્યુરિટી ગાર્ડને મારી નાખવાની ધમકી આપી હોવાની સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →