વસતી ગણતરીની કામગીરી સોંપાતા બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ હાઈકોર્ટ પહોંચ્યા:LICનું ઉદાહરણ આપી સ્ટે આપવાની માગ, ઓથોરિટીને નોટિસ પાઠવાઈ
ગુજરાતમાં હાલ વસતી ગણતરીની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓને પણ કામગીરી સોંપાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે સુરત બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટ પહોંચી સ્ટેની માગણી કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આ બાબતે ઓથોરિટીને નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. બેંક કર્મચારીઓની રજૂઆત છે કે, બેંક ઓફ ઈન્ડિયા કોઈ સ્થાનિક સત્તા મંડળ નથી તેથી તેના કર્મચારીઓને વસતી ગણતરીની ફરજો સોંપી શકાય નહીં. સુરત BOIના કર્મચારીઓ દ્વારા આદેશને પડકારવામાં આવ્યો
બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશને, સુરત શહેરના વસ્તી ગણતરી અધિકારી જેઓ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, તેમના દ્વારા 12 મેના રોજ બહાર પાડવામાં આવેલા આદેશોને પડકાર્યા છે. આ આદેશો દ્વારા વસ્તી ગણતરી સત્તાધિકારીએ વસતી ગણતરી અધિનિયમની કલમ 4ની જોગવાઈઓ હેઠળ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપી હતી. પોતાની અરજીમાં એસોસિએશને દલીલ કરી છે કે બેંક ઓફ ઈન્ડિયા કોઈ સ્થાનિક સત્તામંડળ નથી અને તેથી તેના કર્મચારીઓને વસ્તી ગણતરીની ફરજો સોંપી શકાય નહીં. તેમના વકીલે રજૂઆત કરી હતી કે, એસોસિએશને સંબંધિત અધિકારીને વસતી ગણતરીની ફરજ અંગેનો આદેશ રદ કરવા વિનંતી કરતી રજૂઆત કરી હતી, પરંતુ તે વિનંતી ફગાવી દેવામાં આવી હતી. LICના કર્મચારીઓ સાથે જોડાયેલા એક આદેશનો હવાલો આપવામાં આવ્યો
અરજદારોએ આ કાયદાની કલમ 4Aની જોગવાઈઓ પર આધાર રાખ્યો છે, જે વસ્તી ગણતરીના કામ માટે સ્થાનિક સંસ્થાના સ્ટાફને રોકવાનો આદેશ આપે છે. વકીલે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન LICના કર્મચારીઓ સાથે જોડાયેલા એક આદેશનો હવાલો આપ્યો હતો, જેમણે વર્ષ 2011ની વસ્તી ગણતરી દરમિયાન વસતી ગણતરીની સોંપણીને સફળતાપૂર્વક પડકારી હતી. સિંગલ જજની બેન્ચે 339 LIC કર્મચારીઓને વસ્તી ગણતરીની ફરજો માટે ગણતરીકાર અને સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરતી વસતી ગણતરી સત્તાવાળાઓની નોટિસો રદ કરી દીધી હતી. વસતી ગણતરી સત્તાધિકારી આવી સંસ્થાની સેવાઓ મેળવી શકે નહીં તેવો આ નિર્ણય વર્ષ 2019માં ડિવિઝન બેન્ચ દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવી જવાબ માગ્યો
અરજદાર એસોસિએશને વસતી ગણતરીની ફરજના આદેશ પર સ્ટે માંગ્યો હતો, પરંતુ હાઇકોર્ટે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એક લાંબી પ્રક્રિયા છે અને તે સોમવારથી જ શરૂ થઈ છે. હાઈકોર્ટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર તેમજ આદેશ આપનાર સત્તાધિકારીને નોટિસ પાઠવીને 10 જૂન સુધીમાં તેમના જવાબો માંગ્યા છે, જ્યારે આ મામલે વધુ સુનાવણી નિયત કરવામાં આવી છે. સુરતમાં તાલીમ દરમિયાન કર્મચારીઓ ગેરહાજર રહેતા નોટિસ પાઠવાઈ હતી 15 વર્ષના લાંબા અંતરાલ બાદ દેશમાં શરૂ થયેલી સૌથી મોટી અને અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીની વહીવટી પ્રક્રિયા સામે સુરતમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. રાષ્ટ્રીય સ્તરની આ અતિ મહત્વની કામગીરી પ્રત્યે સુરતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી હતી. ડિજિટલ વસ્તી ગણતરી માટે આયોજિત ખાસ તાલીમ શિબિરમાં કુલ 1,997 કર્મચારીઓની નિમણૂક કરી હતી. જેમાંથી આશ્ચર્યજનક રીતે માત્ર 222 કર્મચારી જ હાજર રહ્યા હતા. જ્યારે બાકીના 1,775 જેટલા બેંક કર્મચારીઓ તાલીમમાંથી સંપૂર્ણપણે ગેરહાજર હતા. એક જ દિવસની આ મહત્વપૂર્ણ તાલીમમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ ગેરહાજર રહેતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. તંત્રએ તાત્કાલિક અસરથી તમામ ગેરહાજર રહેલા 1,775 કર્મચારીઓને 'શો-કોઝ' નોટિસ ફટકારી સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ:1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →