'ભાજપના કોર્પોરેટરનો વિકાસ થયો, વોર્ડનો ના થયો':'પાંચ વર્ષમાં 5 વાર પણ નથી આવ્યા', લાંભામાં પાણીની ટાંકી, લાઇબ્રેરી કે જિમ્નેશિયમ ના હોવાથી સ્થાનિકોમાં રોષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 46 લાંભાના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશ દક્ષેશે કહ્યું કે, ચૂંટાયેલા કોર્પોરેટરો પાંચ વર્ષમાં પાંચ વાર પણ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં માત્ર કોર્પોરેટરોનો જ વિકાસ થયો છે, જ્યારે વોર્ડ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો છે. લાંભામાં આજે પણ સ્મશાન, લાઈબ્રેરી કે જિમ્નેશિયમ જેવી પ્રાથમિક વ્યવસ્થાઓનો અભાવ હોવાથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
લાંભા વોર્ડમાંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લાંભા વોર્ડમાં નારોલ, રંગોળીનગરમાં હાઈફાઈ ચાર રસ્તા, લાંભા બળિયાદેવ મંદિર, વટવા ટર્નિંગ પોઇન્ટ, માંડવી ચોક લાંભા ગામ વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 'લાંભામાં પાણીની ટાંકી, લાઇબ્રેરી કે જિમ્નેશિયમની કોઈ વ્યવસ્થા નથી'
સ્થાનિક એડવોકેટ અરબાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના ચાર કોર્પોરેટરોને પાંચ વર્ષમાં આજસુધી અમે જોયા નથી. પાંચ વર્ષથી સત્તામાં હોવા છતાં એ લોકો ક્યારેય વોર્ડમાં વિઝીટ કરવા પણ આવ્યા નથી. અમારા વિસ્તારમાં આવેલી કેનાલની આસપાસ કોઈ પણ પ્રકારની સેફટી ગ્રીલ બનાવવામાં નથી. અને ગંદકીને લઈને પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. 'પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં 5 વાર પણ આવ્યા નથી'
સ્થાનિક યુવા દક્ષેશએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડમાં વિકાસ થયો જ નથી. અમારા કોર્પોરેટરોએ અહીં કંઈ ધ્યાન આપતા નથી. સવારમાં કોર્પોરેટર માટે બે કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પણ પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં પાંચ વાર પણ આવ્યા નથી. એક યુવાન તરીકે જોઉં તો અહીં લાઈબ્રેરી નથી, જીમ નથી કે લગ્ન કરવા માટે સરકારી હોલ પણ નથી. સામાન્ય જનતાને શું જોઈએ? અહીં રોડ, રસ્તા અને ગટર પણ નથી. રોડ બનાવવામાં આવે તો વરસાદ પહેલા રોડ બને છે અને વરસાદ પડે એટલે રોડ તૂટી જાય છે. 'ફક્ત ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે'
સ્થાનિક દક્ષેશએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો શું આ જ વિકાસ છે? મને તો એવું લાગે છે કે અહીં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના માણસોનો જ કોન્ટ્રાક્ટ છે. ભાજપના માણસો ખાલી સોસાયટીએ-સોસાયટીએ જશે, ખાત મુહૂર્ત કરશે, એમના 20થી 25 માણસો આવશે અને ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે. બાકી, બીજું કઈ કામ નહીં કરે. 'આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી'
લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડ વિશે પ્રોબ્લેમની વાત કરીએ તો લાંભા વોર્ડમાં કોઈ સમસ્યા નથી. સમસ્યામાં લાંભા વોર્ડ છે એવું લાગી રહ્યું છે. 2010થી આ વોર્ડનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કરવામાં આવ્યો છે. જ્યારથી આ વોર્ડ બન્યો છે ત્યારથી આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી. 'જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી'
ઘનશ્યામભાઈ વધુમાં કહ્યું હતું કે, જે જે જગ્યાએ રોડ બનાવવામાં આવે છે એના બે મહિના બાદ એ રોડને ખોદી નાખવામાં આવે છે. રોજ રોજ ઉભરાતી ગટરો બનાવવામાં આવી છે. જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી. 'રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં'
વોર્ડ કોંગ્રેસ પ્રમુખે કહ્યું, લાંભા બે ભાગમાં વહેંચાયેલું છે એક ભાગમાં કોઈ સ્થાનિક લોકો રહેતા નથી પરંતુ ત્યાં ટીપીના રોડ બનાવવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઈટ અને ગટરની વ્યવસ્થા પણ એ વિભાગમાં કરવામાં આવેલી છે. જ્યારે લાંભાનો બીજો વિભાગ જ્યાં પબ્લિક વસવાટ કરે છે એ જગ્યાએ કોઈ પણ પ્રકારના રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં. આ વિસ્તારની અંદર જેટલા પણ ગામડા આવેલા છે એ ગામમાં હજી સુધી પીવાના પાણીની ટાંકી પણ નાખવામાં આવેલ નથી. હજી સુધી ત્યાં સ્મશાન પણ બનાવવામાં આવી નથી. પૂર્વ કોર્પોરેટરના ગોળ ગોળ જવાબ
સ્થાનિકોએ કરેલા આક્ષેપોના જવાબ માટે જ્યારે ભાસ્કરે લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલ સાથે વાત કરતાં તેને ગોળ ગોળ જવાબ આપ્યા હતા, તેના 5 વર્ષના કાર્યકાળના હિસાબો કરાવા લાગ્યા હતાં. 'મે 210 સોસાયટીઓમાં કામગીરી કરી છે'
લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલે જણાવ્યું હતું કે, 210 સોસાયટીઓમાં પાણી, ડ્રેનેજ લાઇટ અને રસ્તાઓ માટે મારા બજેટમાંથી 5 વર્ષમાં મેં 1,44,98,659 જેટલું બજેટ ફાળવેલ છે. આ બજેટ 20 ટકા લેખે ફાળવવામાં આવે છે. સોસાયટીમાં આપણે સ્પોટ પર જોવા જઈએ તો 100 ટકા લેખે આ કામગીરી 7,24,93,295 રૂપિયાનું કામ થયેલું હોય.
Read Original Article →