હજુ 48 કલાક હીટવેવનો ખતરો, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ:સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો; 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ

Gujarat5/14/2026, 4:50:45 AM
હજુ 48 કલાક હીટવેવનો ખતરો, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ:સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો; 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ
ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હીટવેવ સંભાવના વ્યક્ત કરી છે. 13 મેને બુધવારે 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યના 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ક્યાક તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો તો ક્યાક ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 13 મે, 2026ના રોજ જારી કરેલી આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, તાપમાનમાં 2-4°Cનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41-45°Cની વચ્ચે રહી શકે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 44°C, ગાંધીનગરમાં 44° C, સુરતમાં 34°C, રાજકોટમાં 44°C, વડોદરામાં 44°C, અમરેલીમાં 45°C, ભૂજમાં 42°C અને ડીસામાં 44°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન +2.5°C વધારે, રાત્રે લૂ આજે અમદાવાદનું આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 44°C રહેવાની સંભાવના છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 44.1°C નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. અહીંનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા +2.5°C વધારે હતું. હજુ બે દિવસ ગરમીનું જોર રહેશે એ પછી 1થી 2 ડિગ્રી ઘટી શકે છે. દિવસની સાથે સાથે મોડી રાત સુધી શહેરમાં 14 કિમીની ઝડપે પવન ફૂંકાતાં લોકો લૂ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હીટવેવની આગાહી આગામી બે દિવસ (14 અને 15 મે) દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓમાં તેમજ ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લાઓમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહી આગામી સાત દિવસ (20 મે, 2026 સુધી) સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની પ્રબળ શક્યતા છે. અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાની શક્યતા હવામાન વિભાગ તરફથી ચોમાસા અને ગરમીને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અનુકૂળ પરિબળોના કારણે આ વર્ષે અંદમાનમાં 16 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ તે આગળ વધીને કેરળ તરફ ગતિ કરે છે. કેરળમાં 1 જૂને ચોમાસુ બેસ છે. તો ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસે છે.
Read Original Article →