કુમકુમ મંદિર 17 મેથી અધિક માસ ઉજવશે:સત્સંગ સભા, દર્શન, પ્રદક્ષિણા સહિતના નિયમો થશે

Gujarat5/16/2026, 7:21:51 AM
કુમકુમ મંદિર 17 મેથી અધિક માસ ઉજવશે:સત્સંગ સભા, દર્શન, પ્રદક્ષિણા સહિતના નિયમો થશે
દર ત્રણ વર્ષે આવતો અધિક પુરુષોત્તમ માસનો પ્રારંભ ૧૭ મે, રવિવારથી થઈ રહ્યો છે. સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ, મણિનગર દ્વારા આ માસની ઉજવણી કરવામાં આવશે. ૧૭ મેના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન સત્સંગ સભાનું આયોજન કરાયું છે. આ સત્સંગ સભામાં ધૂન, ભજન, કીર્તન અને સત્સંગ કરવામાં આવશે. ૧૭ મે થી ૧૫ જૂન સુધી સમગ્ર અધિક માસ દરમિયાન હીરાપુર ખાતે આવેલા કુમકુમ આનંદધામ ખાતે દરરોજ સાંજે ૬:૩૦ થી ૮:૩૦ વાગ્યા સુધી સત્સંગી હરિભક્તો સપરિવાર દર્શન, પ્રદક્ષિણા, ધર્મગ્રંથ વાંચન અને આરતી જેવા નિયમો કરશે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક-પુરુષોત્તમ માસના મહાત્મ્ય અંગે જણાવ્યું હતું કે, આ માસ સર્વ માસોમાં સર્વોત્તમ ગણાય છે. આ સમયગાળામાં વધુને વધુ સેવા, સત્સંગ, કથા-કીર્તન, ધૂન-ધ્યાન કરવાનું વિશેષ મહત્વ છે. તેમણે અધિક માસને પતિતને પણ પાવન કરનારું પવિત્ર પર્વ ગણાવ્યું હતું. આ માસ એક ગણું આપી અનંત ગણું પુણ્ય મેળવવાનું પાવન ક્ષેત્ર છે. તે રાગ, દ્વેષ, આધી, વ્યાધી, ઉપાધિ વગેરેનો નાશ કરનારું આદિ પર્વ છે. સત્સંગ, સ્મરણ અને સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામને પામવાનો આ પરમ પવિત્ર માસ છે. અધિક પુરુષોત્તમ માસ કેવી રીતે આવે છે તે સમજાવતા તેમણે કહ્યું કે, પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૩.૫૫ સેકન્ડ લાગે છે, જેને ચંદ્રમાસ કહેવાય છે. જ્યારે પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થતાં ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૭.૫ સેકન્ડ લાગે છે, જેને સૌરમાન વર્ષ કહેવાય છે. આમ, ચાંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે ૧૧ દિવસનું અંતર પડે છે. આ અંતરને વધવા ન દેવા માટે દર ત્રીજા વર્ષે એક માસનો ઉમેરો કરવામાં આવે છે, જેને અધિક માસ કહેવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પુરુષોત્તમ માસ આવે ત્યારે સૌ આશ્રિતજનો શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ષોડશોપચારથી મહાપૂજા કરે છે. તેઓ નિત્યપ્રત્યે ભગવાન સમક્ષ માળા, પ્રદક્ષિણા, દંડવત, મંત્રજાપ કરતા હોય તેના કરતાં આ માસ દરમિયાન વિશેષ કરે છે અને સત્શાસ્ત્રોનું પઠન-પાઠન પણ કરે છે.
Read Original Article →