શીતળા માતાના દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત:ખોખરા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારનું લોકોએ સ્વાગત કર્યું; શહેર પ્રમુખ-ધારાસભ્ય પણ જોડાયા
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજથી ભાજપ દ્વારા મહાનગરપાલિકાઓમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. મહાનગરપાલિકાઓમાં નેતાઓ દ્વારા તમામ ઉમેદવારોને જન સેવા અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અમદાવાદના ખોખરા વોર્ડથી ભાજપના નેતાઓ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. લોકોએ ઉમેદવારોનું ફૂલોથી સ્વાગત કર્યું
ભાજપના ઉમેદવાર કમલેશ પટેલ, નયન બ્રહ્મભટ્ટ સોનલબા સરવૈયા અને જૈમીનીબેન દવે દ્વારા પ્રચાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ખોખરા મદ્રાસી મંદિર પાસે આવેલા શીતળા માતાના મંદિરે દર્શન કરી અને પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. ખોખરા વોર્ડના હરી કોલોની સહિત ખોખરા ગામ અને અલગ-અલગ વિસ્તારોમાં ડીજે, ઢોલ નગારા સહિત ઉમેદવારો મતદારો પાસે મત માંગવા માટે ગયા હતા. ભાજપના ઉમેદવારોને સ્થાનિક રહીશો દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમને ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
રેલીમાં આશરે 100 જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતાં. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારો પ્રચારમાં નીકળ્યા હતાં. જે રેલી જોતા જીત બાદ જાણે મતદારોનો આભાર માનવા માટે ઉમેદવારો નીકળ્યા હોય એમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક સોસાયટી અને વોર્ડના સ્થાનિક મહિલાઓ અને પુરુષો તેમજ સિનિયર સિટીઝનને મળ્યા હતા અને તેમના આશીર્વાદ પણ લીધા હતા. શહેર પ્રમુખ પ્રેરક શાહ, ધારાસભ્ય અમુલ ભટ્ટ અને સાંસદ દિનેશ મકવાણા તેમજ પૂર્વક કોર્પોરેટરો પણ પ્રચારમાં હાજર રહ્યા હતા.
Read Original Article →