રામોલમાં રોડ પર દેશી દારૂની રેલમછેલ:ખેડાથી આઇસર ટ્રકમાં લવાતી પોટલીઓનો જથ્થો રોડ ઉપર પડ્યો, અસારવાના બુટલેગરે મંગાવ્યાનો ઘટસ્ફોટ

Gujarat5/14/2026, 5:08:23 AM
રામોલમાં રોડ પર દેશી દારૂની રેલમછેલ:ખેડાથી આઇસર ટ્રકમાં લવાતી પોટલીઓનો જથ્થો રોડ ઉપર પડ્યો, અસારવાના બુટલેગરે મંગાવ્યાનો ઘટસ્ફોટ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના રામોલ વિસ્તારમાં જશોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતાં રોડ પર એક આઇસર ટ્રકમાંથી દેશી દારૂના થેલા રોડ પર પડી જતાં દારૂની પોટલીઓ વેરાઈ હતી. આ ઘટનાને પગલે રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું અને વટવા જીઆઇડીસી પોલીસે ટ્રકચાલક સહિત બે શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીઝલ ટેન્ક ઉપર બનાવેલી ચોર પેટીમાંથી દારૂ મળ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, આઇસર ટ્રકમાં ડીઝલ ટેન્કની ઉપરના ભાગે લોખંડના પતરાની એક ખાસ પેટી (ચોરખાનું) બનાવવામાં આવી હતી. આ પેટીમાં દેશી દારૂના પ્લાસ્ટિકના થેલા ભરીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. મુસાફરી દરમિયાન આ પેટીમાંથી બેથી ત્રણ થેલા અચાનક રોડ પર નીચે પડી ગયા હતા. થેલા ફાટી જવાથી દારૂની પોટલીઓ રોડ પર વિખરાઈ ગઈ હતી અને દારૂની તીવ્ર વાસ ફેલાતા પસાર થતા વાહનચાલકો અચંબામાં પડી ગયા હતા. પોલીસ તપાસમાં થયેલા ખુલાસા વટવા જીઆઇડીસી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં ટ્રકમાંથી વધુ બે દારૂના થેલા મળી આવ્યા હતા. પોલીસે સાદિક મિયા મલેક (રહે. ઉમરેઠ) અને ગણપતભાઈ તળપદા (રહે. ખેડા)ને ઝડપી પાડ્યા હતાં. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ખેડાના ચલાલી ગામમાં રહેતા કનુભાઈ તળપદાએ દેશી દારૂ ભરી આપ્યો હતો અને અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પાસે રહેતા ધર્મેશભાઈએ જથ્થો મંગાવ્યો હતો.
Read Original Article →