પ્રેમી સાથે મળી પતિની હત્યાનો મામલો:2023માં હત્યા નિપજાવવામાં આવી હતી, કોલ ડેટા રેકોર્ડિંગ આરોપીઓ સામે મજબૂત પુરાવો સાબિત થયો
વર્ષ 2023 માં કણભા પોલીસ મથકે એક હત્યાનો ગુન્હો નોંધાયો હતો. આ કેસમાં મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે દીપુ શાક્ય અને કિરણદેવીના નામ નોંધવામાં આવ્યા હતા. આ કેસ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ ટી.પી. ચુડાસમાની દલીલો, 22 સાક્ષીઓ અમે 47 પુરાવા તપાસીને આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી
મૃતક હાકીમસિંહ અમદાવાદના ધામતવણ ગામ પાસે યમુના એસ્ટેટના એક બોર-વેલ રૂમમાં આરોપી દીપુ સાથે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આરોપી દીપુ અને મૃતકની પત્ની કિરણદેવી વચ્ચે આડા સંબંધો હતા. મૃતક હાકીમસિંહ તેની પત્ની કિરણદેવીને મારઝૂડ કરતો હોવાથી બંને આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું ઘડીને 21 ઓગસ્ટ, 2023ની રાત્રે જ્યારે હાકીમસિંહ સૂતો હતો, ત્યારે આરોપી દીપુએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બંને આરોપીઓએ 19 મિનિટ સુઘી વાત કર્યાનો પુરાવો મળ્યો હતો
આ કેસ મુખ્યત્વે પરિસ્થિતિજન્ય પુરાવા અને વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હતો.ઘટના બાદ આરોપી દીપુ અને કિરણદેવી વચ્ચે ફોન પર અંદાજે 19 મિનિટ સુધી થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ કિરણદેવીના મોબાઈલમાંથી ઓટો-રેકોર્ડિંગ તરીકે મળી આવી હતી. આ વાતચીતમાં દીપુએ કઈ રીતે ગળું દબાવીને હત્યા કરી અને કિરણદેવીએ પુરાવા છુપાવવા તથા સામાન્ય વર્તન રાખવા માટે આપેલી સૂચનાઓ સ્પષ્ટ થતી હતી. મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને આધારે સજા ફટકારવામાં આવી
FSL અને વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી પરીક્ષણમાં આ અવાજ બંને આરોપીઓનો જ હોવાનું સાબિત થયું હતું. પોસ્ટ મોર્ટમ રીપોર્ટ મુજબ મૃતકનું મૃત્યુ ગળું દબાવવાને કારણે શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું પ્રમાણિત થયું હતું. જ્યારે આરોપીઓએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા અને દલીલ કરી હતી કે મૃતકનું મોત પેટના દુખાવાના કારણે થયું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની પાસે પરાણે લખાણ વંચાવીને ખોટી ઓડિયો ક્લિપ તૈયાર કરી હતી. જો કે કોર્ટે આ દલીલોને અમાન્ય રાખી હતી. કોર્ટે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને નોંધ્યું હતું કે પ્રોસિક્યુશન આરોપીઓ સામેનો ગુનો શંકાથી પર સાબિત કરવામાં સફળ રહ્યું છે. તેથી કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે.
Read Original Article →