ભાસ્કર વિશેષ:કૈલાસ માનસરોવર યાત્રા મોંઘી થઈ: ચીને વિઝા ખર્ચ, એરફેર, નેપાળી ટૂર ઓપરેટરોએ વ્યક્તિદીઠ 10 હજાર વધારતાં 50 હજાર વધુ ખર્ચ થશે
કૈલાસ માનસરોવરની યાત્રાનો ખર્ચ આ વર્ષે નોંધપાત્ર રીતે વધ્યો હોવા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ઓછો થયો નથી. વધારાનો ખર્ચ ચૂકવીને પણ લોકો બુકિંગ કરાવી રહ્યા છે. કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા મોંઘી બની છે. જ્યાં ગયા વર્ષે આ યાત્રા રૂ. 2 લાખમાં પૂર્ણ થતી હતી, ત્યાં હવે યાત્રાળુઓને રૂ. 2.50 લાખ જેટલો ખર્ચ કરવો પડી રહ્યો છે. એટલે કે પ્રતિ યાત્રાળુ રૂ. 50 હજાર જેટલો વધારાનો બોજો આવ્યો છે. યાત્રા 15 મેથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને કુલ 14થી 21 દિવસ સુધી ચાલે છે. ખર્ચમાં વધારાના મુખ્ય કારણોમાં નેપાળી ટૂર ઓપરેટર દ્વારા પ્રતિવ્યક્તિ રૂ. 10 હજારનો વધારો, ચીન તરફથી વિઝા અને રહેવાની સુવિધામાં લગભગ 250 ડોલરનો વધારો, ફ્લાઇટ ભાડામાં વધારો સામેલ છે. ફ્લાઇટનો ખર્ચ ગયા વર્ષે રૂ. 20 હજાર હતો, જે આ વર્ષે વધીને રૂ. 25 હજાર થયો છે. નોંધનીય છે કે ચીને વર્ષ 2019માં ભારતીય યાત્રાળુઓ માટે આ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વર્ષ 2025માં ફરીથી યાત્રા શરૂ થતાં યાત્રાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે 25 હજાર લોકોએ યાત્રા માટે બુકિંગ કરાવી દીધું છે. વધતા ખર્ચ છતાં ભક્તોની અડગ આસ્થા દર્શાવે છે કે કૈલાસ માનસરોવર યાત્રા માટેનો જુસ્સો અને શ્રદ્ધા યથાવત્ છે. 24 મે માટે બુકિંગ કરાવ્યું, ખર્ચ ગત વર્ષ કરતાં વધુ
કૈલાસ માનસરોવરની યાત્રા દરેક હિંદુ માટે એક સ્વપ્ન છે. ખર્ચ વધ્યો હોવા છતાં અમે 24 મે 2026 માટે બુકિંગ કરાવ્યું છે. આ યાત્રાથી દરેક જ્યોતિર્લિંગના દર્શનનું ફળ મળે છે. > પ્રકાશ પટેલ, યાત્રાળુ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકાનો વધારો
ગત વર્ષની સરખામણીએ યાત્રાના ખર્ચમાં 20થી 25 ટકા વધારો થયો છે. નેપાળ અને ચીન પાર્ટમાં 250 ડોલરનો વધારો થયો છે, જ્યારે એરફેરમાં રૂ. 10 હજારનો વધારો નોંધાયો છે. તેમ છતાં બુકિંગ અને ઇન્ક્વાયરીમાં કોઈ ઘટાડો નોંધવામાં આવ્યો નથી. ભાવમાં વધારો થયો હોવા છતાં ઇન્કવાયરી અને બુકિંગમાં કોઈ ઘટાડો થયો નથી. આથી સ્પષ્ટ થાય છે કે મોંઘવારી સામે શ્રદ્ધા ભારે પડી રહી છે. > જિગર દુદકિયા, ડિરેક્ટર, શક્તિ ટ્રાવેલ્સ
Read Original Article →