કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી:એટીએમમાં મદદના બહાને યુવતી સાથે ઠગાઇ આચરી
શહેરના ભૂલાભાઈ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલી 20 વર્ષીય યુવતી સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. એટીએમમાં મદદ કરવાના બહાને બે અજાણ્યા શખ્સોએ યુવતીનું અસલી ડેબિટ કાર્ડ બદલી નાખ્યું હતું અને તેનો પિન નંબર જાણી ખાતામાંથી રૂ.17 હજાર ઉપાડી લીધા હતા. પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ બહેરામપુરામાં રહેતી અને ખાનગી પ્રિન્ટિંગ કંપનીમાં નોકરી કરતી યુવતીનું શાહઆલમ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બચત ખાતું છે. ગત 14 મેના રોજ રાત્રે આશરે 8 વાગ્યે તે ભૂલાભાઈ ચાર રસ્તા નજીક આવેલા એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે પહોંચી હતી. એટીએમમાં કાર્ડ દાખલ કર્યા બાદ સ્ક્રીન પર ‘પાસવર્ડ ખોટો છે’ એવો સંદેશ દેખાતા તે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. તે દરમિયાન ત્યાં હાજર બે અજાણ્યા શખ્સોએ મદદ કરવાની ઓફર કરી હતી. યુવતી તેમની વાતોમાં આવી જતાં તેણે પોતાનું ડેબિટ કાર્ડ તેમને આપ્યું હતું. આ દરમિયાન ગઠિયાઓએ ચાલાકીપૂર્વક તેનું અસલી કાર્ડ બદલી તેના જેવું જ દેખાતું બીજું કાર્ડ આપી દીધું હતું. એટલું જ નહીં, યુવતી એટીએમની પ્રક્રિયા કરતી હતી ત્યારે આરોપીઓએ તેનો પિન નંબર પણ જાણી લીધો હતો. બીજા દિવસે યુવતીએ બેલેન્સ ચેક કરતાં ખાતામાંથી રૂ.17 હજાર ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
Read Original Article →