આખું બાઈક સળગી ઊઠ્યું:જુહાપુરા ચાર રસ્તા પાસે BRTS બસ કેબિન પાસે બાઈકમાં આગ લાગી, બોપલમાં ગેસ લિકેજની ઘટનાની દોડધામ
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગઇકાલે(4 એપ્રિલ) રાતે આગ લાગવાની ઘટના બની હતી. જુહાપુરા ચાર રસ્તા પાસે આવેલી BRTS કેબિનની બિલકુલ બાજુમાં પાર્ક કરવામાં આવેલી એક મોપેડ (બાઈક) માં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે આ મામલે ફાયર બ્રિગેડમાં કોઈ જાણ કરવામાં આવી નથી. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લઈ લીધી હતી. બાઈક બળીને ખાખ
જુહાપુરા ચાર રસ્તા પાસે BRTS કેબિન પાસે એક બાઈકમાં આગ લાગી હતી. બાઈકમાં આગ લાગતા થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાઈક આખેઆખી બળીને ખાખ થઈ ગઈ હતી. બાઈકમાં લાગેલી આગના કારણે BRTS કેબિનને પણ નુકસાન થયું હતું. ચાર રસ્તા જેવો વ્યસ્ત વિસ્તાર હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ BRTS કેબિનની નજીક જ આગ લાગી હોવાથી થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગ બુઝાવી દીધી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડમાં કોઈ કોલ મળ્યો નથી. બોપલમાં ગેસ લિકેજની ઘટનાની દોડધામ
શહેરના બોપલ વિસ્તારમાં VIP રોડ પર હનુમાન મંદિર નજીક મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ગેસ લીકેજ થયો હોવાનો મેસેજ ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો. રાત્રે ઘરમાં સૂતેલા લોકોને ગેસ લીકેજ થયો હોવાની ગંધ આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ગેસ કંપનીના અધિકારીઓને પણ જાણ કરી હતી, જેથી તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગેસની ગંધના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે ફાયરની ટીમ અને ગેસ કંપનીના લોકો પહોંચી ગયા હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી.
Read Original Article →