ઈન્ડિયન રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 1.80 લાખની છેતરપિંડી:વીડિયો કોલ કરી વૃદ્ધને ફસાવ્યા, વાઇરલની ધમકી આપી ડરાવ્યા; યુટ્યુબના જનરેલ મેનેજર બની રૂપિયા પડાવ્યા
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા એક 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાયબર ગઠીયાઓની જાળમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. વોટ્સએપ વીડિયો કોલ દ્વારા બ્લેકમેઇલિંગનો ભોગ બનેલા આ વૃદ્ધ પાસેથી ઠગ ટોળકીએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી કુલ ₹1.80 લાખ પડાવી લીધા છે. આ મામલે ભોગ બનનારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર મામલો?
ભારતીય રેલવેમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધને 26 ડિસેમ્બર 2025ના રોજ નમાઝના સમયે એક અજાણી મહિલાનો વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. વૃદ્ધે કોલ રિસીવ કરતા જ સામે મહિલા દેખાતા તેમણે તરત જ કોલ કટ કરી દીધો હતો. બીજા દિવસે એટલે કે 27 ડિસેમ્બરે વીડિયો વાઇરલ કરવાની ધમકી મળવાનું શરૂ થયું હતું. 28 ડિસેમ્બરે એક વ્યક્તિએ 'દિલ્હી પોલીસના સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર યોગી' તરીકે ઓળખ આપી વૃદ્ધને ડરાવ્યા હતા. ઠગ ટોળકીએ વીડિયો ડિલીટ કરવાના બહાને 'યુટ્યુબના જનરલ મેનેજર અજય શર્મા' સાથે વાત કરાવી હતી અને બલરામ નામના વ્યક્તિના બેંક ખાતામાં રકમ જમા કરાવવા દબાણ કર્યું હતું. વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ
ડરના માર્યા વૃદ્ધે ટુકડે-ટુકડે ₹1.80 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા, તેમ છતાં ગઠીયાઓએ વધુ ₹50 હજારની માંગણી ચાલુ રાખી હતી. અંતે છેતરપિંડીનો અહેસાસ થતા વૃદ્ધે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરી હતી.
Read Original Article →