શાહપુરના બાળકો માટે 'જ્ઞાનપોથી' પ્રોજેક્ટનો પ્રારંભ:જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે પુસ્તકોનું લોકાર્પણ, 31મેના રોજ વિતરણ
શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અનોખો અને પ્રશંસનીય સેવા પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. શાહપુર વિસ્તારના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે "જ્ઞાનપોથી" પુસ્તિકાનું જગન્નાથ મંદિરના ગાદીપતિ અને મહંત દિલીપદાસજી મહારાજના વરદ હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. માત્ર ₹10 માં 10 નોટબુક અને ચોપડા
આ પ્રોજેક્ટ હેઠળ શાહપુર રથયાત્રાના પરંપરાગત ગોળાકાર ભક્તિપથ માર્ગમાં આવતી વિવિધ પોળો, ચાલીઓ અને મહોલ્લામાં રહેતા સનાતની પરિવારોના બાળકોને ખૂબ જ રાહત દરે શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવશે. સમિતિ દ્વારા માત્ર રૂ. 10 માં 10નોટબુક અને રૂ. 10 માં 10ફૂલસ્કેપ ચોપડા આપવાનો આ સેવા યજ્ઞ સતત પાંચમા વર્ષે પણ કાર્યરત રાખવામાં આવ્યો છે. મહાનુભાવોના આશીર્વચન
લોકાર્પણ પ્રસંગે મહંત દિલીપદાસજી મહારાજે શાહપુરના સેવાભાવી કાર્યકરોની આ ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે:બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય અને તેઓ દેશના સારા નાગરિક બને તે ખૂબ જ જરૂરી છે. સમાજમાં શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત થાય તે માટે ભગવાન જગન્નાથ સૌને શક્તિ આપે. આ પ્રસંગે પ્રોજેક્ટના આયોજક અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે જણાવ્યું કે, કોરોનાકાળથી સમાજ ઉપયોગી થવાના ઉદ્દેશ્ય સાથે શાહપુરના સદગૃહસ્થોના સહયોગથી આ પ્રવૃત્તિ શરૂ કરાઈ છે. તેમનો મુખ્ય સંદેશ છે: "સૌ ભણે, સૌ આગળ વધે, કોટ વિસ્તારનું નામ રોશન કરે." 31મેના રોજ વિતરણ આ યોજનાનો લાભ લેવા માટે શાહપુર વિસ્તારના પરિવારોના બાળકોનું અગાઉથી જ રજીસ્ટ્રેશન કરી લેવામાં આવ્યું છે. આ વર્ષે અંદાજે 850 જેટલા બાળકોને આ શૈક્ષણિક સામગ્રીનો લાભ મળવા જઈ રહ્યો છે. 31 મેના રોજ સવારે 9 વાગે શાહપુરમાં આવેલા ભાવસાર હોલ ખાતે ચોપડા વિતરણ કરવામાં આવશે આ લોકાર્પણ કાર્યક્રમમાં આયોજક શિક્ષણવિદ ડૉ. જગદીશ ભાવસારની સાથે ડૉ. અશ્વિન ભાવસાર, રાજેશ કે. ભાવસાર, ભરતભાઈ ભાવસાર, ભદ્રેશ ત્રિવેદી, ધર્મેન્દ્ર પંડ્યા (સુદામા), બળવંત ભાવસાર, નીલેશ ભાવસાર અને શૈલેષ ભાવસાર સહિતના અગ્રણીઓ અને સેવાભાવી કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →